આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે GenZ માટે આ સરકાર કેટલી સંવેદનશીલ છે એનું એક ઉદાહરણ હાલ જોવા મળ્યું. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સિલ્વર ઓક કોલેજમાં બીએસસી બાયો ટેકનોલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક દીકરી કોલેજ જઈ રહી હતી અને રોડ પર પાણી ભરાયેલું હતું, એટલા માટે એ સાઈડમાંથી ચાલી રહી હતી અને એના પર ક્રેન ફરી વળી. જે દીકરી સાયન્ટિસ્ટ બનવા માંગતી હતી એ અકાળે ભગવાનના ઘરે પહોંચી ગઈ. સામાન્ય પરિવાર પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે કમર કસે છે અને આ અસંવેદનશીલ સરકારને કંઈ પડી નથી. આ ઘટના અમદાવાદના ગોતા વિસ્તારમાં બની હતી તો ગુજરાતના બીજા વિસ્તારોમાં શું હાલત હશે?
વધુ આમ આદમી પાર્ટીના નેતા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, વિકાસની વાતો સિવાય કંઈ થતું નથી, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કંઈ નથી. આવી ઘટના બને છે ત્યારે બે ચાર દિવસ લોકો વાત કરે છે પરંતુ પછી ભૂલી જઈએ છીએ. ક્યાંક આગ લાગે, ક્યાંક ખાડા પડે, ક્યાંક બિલ્ડિંગ પડે, ક્યાંક બ્રિજ પડે, પરંતુ હકીકતમાં સામાન્ય પરિવારોના ભવિષ્ય પડી રહ્યા છે. આ ઘટના રોડ બનાવનાર મોટા એન્જિનિયર કે મોટા નેતાના દીકરા દીકરી સાથે બની હોત તો? મારી આ સરકારને અને કોર્પોરેશનને પણ વિનંતી છે કે જે પરિવારે આ દીકરી ગુમાવી છે એ પરિવારને ઓછામાં ઓછું એક કરોડનું વળતર ચૂકવવામાં આવે અને આગામી સમયમાં આ રીતની ઘટના ન બને એ માટે એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરીને GenZ ને આશ્વાસન આપવામાં આવે.




