
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે રીતે NEET નું પેપર ફૂટ્યું હતું એના કારણે વિદ્યાર્થીઓએ ફરીથી રી-નીટનું પેપર આપવાની નોબત આવી છે. દુઃખની બાબત છે કે સરકાર પરીક્ષા લેવાની બાબતમાં પણ સક્ષમ નથી. આના પરથી સાબિત થાય છે કે આ સરકાર વિદ્યાર્થી વિરોધી સરકાર છે, શિક્ષણ વિરોધી સરકાર છે. જ્યારે આ નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર વિદ્યાર્થીઓને મફત પરિવહનની સુવિધા આપી રહી છે તો અમારી માંગ છે કે, ગુજરાત સરકાર પણ જાહેરાત કરે કે તેઓ પણ નીટના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મફત પરિવારની વ્યવસ્થા કરે.
વધુમાં આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, એક તો વિદ્યાર્થીઓ માનસિક રીતે થાકી ગયા છે અને તૂટી ગયા છે એવા સમયમાં વધુ એક નાણાકીય બોજ તેમના પર ન વધે એ માટે અમે સરકારને અપીલ કરીએ છીએ વિદ્યાર્થીઓ માટે ફ્રી પરિવહનની વ્યવસ્થા કરવામાં આવે. પંજાબની સરકાર દ્વારા જો આ કામ શક્ય બને છે તો પછી કેન્દ્ર અને ગુજરાતમાં જ્યાં ભાજપની સરકાર છે તે પણ આ કામ કરી શકે એમ છે પરંતુ તેમણે આ કામ આજ દિન સુધી કર્યું નથી કારણ કે તેમની માનસિકતા જ વિદ્યાર્થી વિરોધી છે. હું વારંવાર કહેતો આવું છું કે આ વિદ્યાર્થી વિરોધી સરકાર ક્યારેય પણ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતી નથી. પરંતુ આ વખતે હું આશા કરું છું કે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈને તેમની મફતમાં પરિવારની સુવિધા આપે.





