
અમદાવાદના ઠક્કરબાપા નગર વિધાનસભામાં ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તેમજ જનરલ બોડીના મંત્રી મનીષાબેન મુરારકા અને સામાજિક આગેવાન ગોવિંદભાઈ ગોસ્વામી આજે 200થી વધુ મહિલા કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યુ હતુ. આથી પરિવર્તનની આ લહેર હવે અટકશે નહીં તેવી પ્રબળ રાજકીય સંકેત મળ્યો છે.
આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપે ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકો તથા કાર્યકરોના સપનાઓને તોડી નાખ્યા છે. કોઈપણ કાર્યકર જ્યારે ભાજપમાં જોડાય છે ત્યારે તેનો ઉદ્દેશ્ય સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો હોય છે, પરંતુ આજે ભાજપ તેમાં નિષ્ફળ સાબિત થઇ છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદના ઠક્કરબાપા નગર વિધાનસભાના ઇન્ડિયા કોલોની વોર્ડમાંથી ભાજપમાં 15 વર્ષથી સક્રિય રહેલા મનીષાબેન મુરારકા, જે મહિલા મોરચાના પ્રમુખ અને વોર્ડના મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે, તેમણે ભાજપના ખોટા વચનો અને ભ્રષ્ટ નીતિઓથી નિરાશ થઈ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. મનીષાબેન મુરારકા છેલ્લા 15 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે અને મહિલા મોરચાના પ્રમુખ તરીકે તેમજ વોર્ડના મંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવેલી છે. તેમ છતાં ભાજપ દ્વારા કરાયેલા વચનો લોકો સુધી પહોંચ્યા નથી અને હકીકતમાં ભ્રષ્ટાચાર જ જોવા મળ્યો છે. આથી તેમણે હવે ઈમાનદાર રાજકારણમાં વિશ્વાસ મૂકી આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું છે.
AAP નેતા ગૌરી દેસાઇએ વધુમાં જણાવ્યું હતુ કે મનીષાબેન સાથે હજારો મહિલાઓનું મજબૂત સંગઠન જોડાયેલું છે અને તેઓ એનજીઓ મારફતે મહિલાઓના પ્રશ્નો માટે સતત કાર્યરત છે. આ તકે મનીષાબેન મુરારકા જણાવ્યું કે તેઓએ ભાજપમાં કામ કર્યું છતાં કાર્યકરો સાથે દગો થયો છે અને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ મળ્યું નથી, જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. તેમણે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ પાર્ટી લોકો સાથે કરેલા વચનો પૂરા કરશે તેવો તેમને પૂર્ણ વિશ્વાસ છે. આમ આદમી પાર્ટીએ મનીષાબેન મુરારકા અને તેમની સાથે જોડાયેલા તમામ મહિલા કાર્યકરોનું સ્વાગત કર્યું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમના જોડાવાથી પાર્ટી વધુ મજબૂત બનશે તેમજ મહિલાઓના પ્રશ્નો માટે સશક્ત લડત આપવામાં આવશે.





