
ભાડા વધારવા કરી માગ. CNG એક મહિનામાં ૪ રૂપિયા મોંઘો થતાં અમદાવાદના રીક્ષાચાલકોનો વિરોધ.CNGએક મહિનામાં ૪ રૂપિયા મોંઘો થતાં અમદાવાદના રીક્ષાચાલકોનો વિરોધ.શહેરમાં મોંઘવારીનો વધુ એક ડામ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ પર પડ્યો છે. જેને લઈને હવે રિક્ષા ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા CNG ગેસના સતત વધી રહેલા ભાવ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. રિક્ષા ચાલકોની માંગ છે કે, કાં તો CNG ગેસના ભાવ ઘટાડવામાં આવે અથવા તો મોંઘવારીના પ્રમાણમાં રિક્ષાના ભાડામાં તાત્કાલિક વધારો મંજૂર કરવામાં આવે.
યુનિયનના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા માત્ર એક જ મહિનામાં CNG ગેસના ભાવમાં અંદાજે ૪ રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે, ત્યારે સીએનજીમાં થયેલા આ સતત વધારાએ રિક્ષા ચાલકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. રોજનું કમાઈને રોજ ખાતા ગરીબ અને મધ્યમ વર્ગીય રિક્ષા ચાલકો માટે હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
યુનિયન પ્રતિનિધિએ દાવો કર્યો કે, છેલ્લે વર્ષ ૨૦૨૩માં રિક્ષાના ભાડામાં સત્તાવાર વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગેસના ભાવ અને અન્ય ખર્ચાઓ ખૂબ વધી ગયા છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે, જાે સરકાર ગેસના ભાવ નિયંત્રિત ન કરી શકતી હોય, તો મોંઘવારીના વર્તમાન દરને ધ્યાનમાં રાખીને રિક્ષાના મિનિમમ અને રનિંગ ભાડામાં તાત્કાલિક સુધારો કરવો જાેઈએ. અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં દૈનિક ધોરણે આશરે ૨.૫ લાખ જેટલા લોકો મુસાફરી માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. જાે રિક્ષા ચાલકોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ લાખો મુસાફરોની હાલાકીમાં મોટો વધારો થઈ શકે છે. યુનિયને સ્પષ્ટ ચીમકી આપી છે કે જાે CNG ગેસના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે અથવા ભાડું નહીં વધારાય, તો આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં ઉગ્ર આંદોલન અને ચક્કાજામ સાથે હડતાળ પાડવામાં આવશે.





