
લગ્નની ખુશીઓ વચ્ચે બે પરિવારોમાં માતમ છવાયો સુરતમાં નવવધૂનું લગ્નના દિવસે રાતે ટાઇફોઇડથી મોત થયું દુલ્હન વેદી પટેલ એક અઠવાડિયાથી બીમાર હતી. તેને ટાઈફોઈડનું નિદાન થયું હતું હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી
જન્મ અને મરણનો ખેલ ઉપરવાલાના હાથમાં હોય છે. મોતનો પડદો ક્યારે પડે તે કંઈ કહેવાય નહિ. ત્યારે સુરતની એક નવવધૂને લગ્નની રાતે જ મોત આવ્યું. જ્યાં સવારે લગ્નના ગીતો ગવાતા હતા, ત્યાં સાંજ ઢળતા જ માતમ છવાયું હતું. કેનેડાના યુવક સાથે સુરતની યુવતીના જે દિવસે લગ્ન હતા, તે જ દિવસે રાતે તેનું ટાઈફોઈડથી મોત નિપજ્યું હતુ. આ ઘટનાથી બે પરિવારો પર આભ તૂટી પડ્યું હતુ.
વાત જાણે એમ હતી કે, સુરતના ગોથણ ગામમાં રહેતા નૈતિક પટેલ હાલ કેનેડામાં સ્થાયી થયા છે, અને ત્યાંની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ૧૦ મહિના પહેલા વેદી પટેલ નામની યુવતી સાથે તેમના લગ્ન જાેડાયા હતા, અને તે સમયે તેઓએ સાદગીથી લગ્ન કર્યા હતા. તેના બાદ યુગલ કેનેડા પરત ફર્યું હતું.
સામાજિક રિવાજાેથી લગ્ન બાકી હતી, અને વિધિવિધાન પૂરા કરવા હતા, તેથી તેઓએ પારંપરિક રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓ કેનેડાથી સુરત આવ્યા હતા. પરિવારજનો અને સંબંધીઓને કંકોત્રી વહેંચાઈ ગઈ હતી, અને લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. યુગલ રીતરિવાજાેથી પરણ્યું હતું.
પરંતું રાતે અચાનક વેદીની તબિયત બગડી હતી. તે બેભાન થઈ જતા, તેને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તબબીઓને તેને મૃત જાહેર કરી હતી. આ, વાતની જાણ થતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
જે દીકરીએ હોંશભેર લગ્નની વિધિઓ માણી, તે અચાનક રાતે મોતને ભેટી હતી. માત્ર ૨૫ વર્ષની વેદી મોતને ભેટતા પતિ આઘાતમાં સરી ગયો હતો. બંને પરિવારો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. તો બીજી તરફ, જે દીકરીના હાથનો મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો, તેણે લગ્નના દિવસે જ દુનિયાને અલવિદા કરી હતી.
આ બાદ સામે આવ્યું કે, દુલ્હન વેદી પટેલ એક અઠવાડિયાથી બીમાર હતી. તેને ટાઈફોઈડનું નિદાન થયું હતું. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પરંતું લગ્ન પ્રસંગ હોવાથી તેણે લગ્નને પ્રાયોરિટી આપી હતી, પરંતું બીમાર વેદી બહુ લાંબો સમય પોતાની બીમારી ટકાવી ન શકી, અને જે દિવસે દુલ્હન બની તે જ દિવસે કાળને ભેટી.




