
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અનેક સફાઈ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના લાભથી વંચિત રાખવામાં આવી રહેલ છે. સરકાર અને સુરત મ.ન.પા માં ફરજ બજાવતા કર્મચારીઓ જેઓ એક જ પોસ્ટ ઉપર ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા અને જેઓને બઢતીનો લાભ મળેલ ના હોય તેવા કર્મચારીઓને ૧૦ વર્ષ પુરા થયા બાદ ઉચ્ચતર પગારનો લાભ આપવામાં આવે છે. અને હાલમાં સુધારેલ નિયમ મુજબ ૧૦,૨૦,૩૦ વર્ષ સુધી એક જ જગ્યા ઉપર ફરજ બજાવી હોય અને તેઓને બઢતીનો લાભ ના મળેલ હોય તેઓને ૧૦,૨૦,૩૦ વર્ષ પૂરો થતાં ઉચ્ચતર પગારનો લાભ આપવામાં આવે છે. સુરત મ.ન.પા માં અનેક કર્મચારીઓ ૧૦,૨૦,૩૦ વર્ષ ના ઉચ્ચતર પગારના લાભથી વંચિત છે. આવા કર્મચારીઓની કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી નથી. અને કર્મચારીઓ અધિકારી પાસે જાય છે ત્યારે તેઓ કર્મચારીને કહે છે કે “હાલ અમારી પાસે ઘણું કામ છે. સમય આવશે ત્યારે કામ કરીશું. અમારા ટેબલ પાસે આવવું નહીં.” તેવા જવાબો કારકુન(ઈ.સી) કર્મચારીઓ ધ્વારા આપવામાં આવે છે. સુરત મ.ન.પા માં ૭૦૦ થી ૮૦૦ કારકુનોની જગ્યા ખાલી છે. અને વર્ષોથી આ જગ્યાઓ ભરાયેલ નથી.
જેથી કારકુન કર્મચારીઓ ઉપર કામનું ભારણ હોય તે સ્વાભાવિક છે. પરંતુ કર્મચારીઓ જેઓ ૧૦,૨૦ અને ૩૦ વર્ષ ના ઉચ્ચતર પગારના લાભ માટે હક્કદાર હોય. તેઓને તેઓના કાયદેસરના હક્કથી વંચિત રાખવા કેટલે અંશે વાજબી ગણાય?
સુરત મ.ન.પા ના ઉચ્ચ અધિકારીઓ સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે લક્ષ આપવા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઇલાલ બી. વૈષ્ણવે માંગણી કરી છે.





