
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર.અમદાવાદમાં પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરાવવા લોકોની લાંબી લાઇન.પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર ન પહોંચતા કેટલાક પંપો પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી .શહેરમાં ફરી એકવાર ઇંધણના પુરવઠાને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે. સતત રજાઓના દિવસોને કારણે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર ન પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જાેવા મળી રહી છે, જ્યારે કેટલાક પંપો પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે.
આ સમાચાર વાયુવેગે ફેલાતા કે પેટ્રોલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે, લોકોમાં ગભરાટ જાેવા મળ્યો હતો. પરિણામે, અમદાવાદના માનવ મંદિર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. લોકો અગમચેતીના ભાગરૂપે પોતાના વાહનોમાં પેટ્રોલ ફૂલ કરાવવા ઉમટી પડ્યા હતા. ભીડ એટલી પ્રચંડ હતી કે પેટ્રોલ પંપના કર્મચારીઓ ટૂંકા પડ્યા હતા, અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પંપ માલિકના પરિવારના સભ્યોએ પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું.
બીજી તરફ, પકવાન નજીક આવેલા પંપ પર સ્ટોક ખાલી થઈ જતાં સંચાલકે વેચાણ બંધ કરી દીધું છે. રજાઓના કારણે ડેપોમાંથી સપ્લાય ન આવતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કાળઝાળ ગરમીમાં એક પંપથી બીજા પંપ સુધી ભટકી રહેલા વાહનચાલકો અટવાયા છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર ઉમટી પડેલી ભીડને કારણે અનેક જગ્યાએ ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને એસ.જી. હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો રસ્તા સુધી પહોંચતા ભારે ટ્રાફિક જામ જાેવા મળ્યો હતો. એકતરફ પેટ્રોલ મેળવવાની દોડધામ અને બીજી તરફ આકરા તાપને કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોની હાલત કફોડી બની હતી. અફવાને પગલે સર્જાયેલી આ અવ્યવસ્થામાં સામાન્ય જનતા ગરમી અને જામ વચ્ચે પીસાતી જાેવા મળી હતી.
આ અંગે પેટ્રોલ પંપ એસોસિએશન અને સંચાલકોનું કહેવું છે કે, આ કોઈ કાયમી અછત નથી. રજાઓના દિવસો હોવાને કારણે સપ્લાય ચેઈનમાં થોડો વિલંબ થયો છે, જેના લીધે જથ્થો સમયસર પહોંચી શક્યો નથી. તેમણે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ ઈંધણનો પૂરતો જથ્થો આવી જશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે. ત્યાં સુધી નાગરિકોને ગભરાટમાં આવીને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં પણ પંપો પર લાંબી લાઈનો જાેવા મળી હતી. જાેકે, પેટ્રોલ પંપ એસોસિયેશને સ્પષ્ટતા કરી છે કે શહેરમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પડોશના અમુક પંપ બંધ હોવાથી લોકોમાં અફવા ફેલાઈ હતી, જેને કારણે ભીડ વધી હતી. યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં શનિ-રવિની રજાઓ દરમિયાન પ્રવાસીઓનો ઘસારો વધતા શહેરના મુખ્ય બે પેટ્રોલ પંપો જથ્થો પૂર્ણ થતાં, મુસાફરોને ઈંધણ વગર રઝળવાનો વારો આવ્યો છે. સંચાલકોના જણાવ્યાનુસાર, સોમવાર સાંજ સુધીમાં નવો જથ્થો આવવાની શક્યતા છે.
બીજી બાજુ, રાજકોટમાં પણ આવી જ સ્થિતિ જાેવા મળતાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, તમામ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કોઈ વિક્ષેપ નથી. કલેક્ટરે નાગરિકોને અપીલ કરી હતી કે, અફવાઓથી પ્રભાવિત થઈને પેટ્રોલ પંપો પર અનાવશ્યક ભીડ ન કરે. તેમણે ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતીથી સાવચેત રહેવા જણાવ્યું છે. પ્રશાસનના કહેવા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ઈંધણ પુરવઠો સામાન્ય રીતે ચાલુ રહેશે. બીજી બાજુ, પેટ્રોલ-ડીઝલ મુદ્દે ફેડરેશનનો મોટો દાવો સામે આવ્યો છે. IOC સાથે બેઠક બાદ FGPDA નું નિવેદન સામે આવ્યું છે. FGPDA ના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ નિવેદન આપ્યું છે કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ તંગી નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે. શનિ-રવિના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. સાંજ સુધી અથવા કાલ સુધીમાં સમસ્યા ઉકેલાશે.





