ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ.એક વર્ષમાં ૧૫૨ સરકારી કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા.આ કર્મચારીઓ પાસેથી આશરે રૂ.૧૩ કરોડની લાંચના કેસ સામે આવ્યા : ૨૧ ખાનગી વ્યક્તિઓ પણ લાંચના મામલે ઝડપાયા.ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યના ૧૫૨ સરકારી કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. આ કર્મચારીઓ પાસેથી આશરે રૂ.૧૩ કરોડની લાંચના કેસ સામે આવ્યા છે. બીજી તરફ, ૨૧ ખાનગી વ્યક્તિઓ પણ લાંચના મામલે ઝડપાયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
ACB સત્તાવાર વિગતો અનુસાર, સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે. ગૃહ વિભાગના ૨૯ કર્મચારીઓ રૂ.૨.૬૪ કરોડની લાંચ લેતા ઝડપાયા હોવાનું જણાવાયું છે. જ્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ૧૬ કર્મચારીઓ રૂ.૨ કરોડની લાંચના મામલે ઝડપાયા છે.
વિભાગવાર વિગતો પર નજર કરીએ તો ગૃહ વિભાગમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખાનગી વચેટિયાઓ સહિત કુલ ૭૮ લોકો રૂ.૨.૬૪ કરોડની લાંચના કેસમાં પકડાયા હોવાનું જણાવાયું છે.
મહેસૂલ વિભાગમાં ૨૩ કર્મચારીઓ અને ૧૮ ખાનગી વ્યક્તિઓ સહિત કુલ ૪૧ લોકો સામે કાર્યવાહી થઈ છે. આ કેસોમાં રૂ.૧ કરોડની લાંચનો ખુલાસો થયો છે.
પંચાયત વિભાગમાં ૨૧ કર્મચારીઓ સહિત કુલ ૫૦ લોકો, આરોગ્ય વિભાગમાં ચાર કર્મચારીઓ અને ચાર ખાનગી વ્યક્તિઓ સહિત આઠ લોકો તથા શિક્ષણ વિભાગના ચાર કર્મચારીઓ પણ છઝ્રમ્ની કાર્યવાહીમાં સપડાયા છે.
શહેરી વિકાસ વિભાગના ૧૬ કર્મચારીઓ સહિત કુલ ૩૩ લોકો સામે કાર્યવાહી થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત ઊર્જા વિભાગના છ, ઉદ્યોગ વિભાગના પાંચ, નર્મદા વિભાગના સાત અને નાણાં વિભાગના ચાર કર્મચારીઓ લાંચના કેસમાં ઝડપાયા છે. કૃષિ વિભાગના આંકડામાં પણ ભ્રષ્ટાચારના કેસ સામે આવ્યા છે.
ACB દ્વારા મળતી ફરિયાદોના આધારે છટકાં ગોઠવીને લાંચ લેતા કર્મચારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવે છે. સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોનાં કામ માટે લાંચ માગવામાં આવતી હોવાની ફરિયાદો વચ્ચે આ આંકડા વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
નોંધનીય છે કે, આ આંકડા માત્ર ACB કાર્યવાહીમાં ઝડપાયેલા લોકોના છે. લાંચ લેતા પકડાયેલા લોકોની સંખ્યા ભ્રષ્ટાચારની સમગ્ર હકીકત દર્શાવતી નથી. સરકારી સેવાઓમાં પારદર્શિતા વધે અને સામાન્ય નાગરિકોને લાંચ આપ્યા વગર કામ કરાવી શકાય તે માટે કડક પગલાં લેવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.




