
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજની એક મિટિંગ ન્યુ ઓપેરા હાઉસ ખાતે સાંજે ૫:૦૦ કલાકે ભાઈલાલ બી. વૈષ્ણવના અધ્યક્ષતામાં મળી હતી. તેમાં વાલ્મીકિ સમાજના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વાલ્મીકિ સમાજના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડે તો સમાજનો સંપર્ક કરવા તેમજ વાલ્મીકિ સમાજના યુવાન/યુવતીઓને નોકરી ધંધો રોજગાર મળી રહે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ સચિવાલય,ગાંધીનગરના ઠરાવ ક્રમાંક. ખરચ-૧૦૨૦૧૦-૧૧૮-ઝ.૧,
તા.૧૪/૦૮/૨૦૧૪ અને સામાન્ય વહીવટી વિભાગ ના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવની જોગવાઈ અનુસાર ડ્રાઈવર તેમજ વર્ગ-૪ ની પટાવાળા, પટાવાળા -કર્મ-ડ્રાયવર, પ્યુન કમ એટેન્ડન્ટ, માળી, ધોબી, ચોકીદાર, પ્યુન કમ ચોકીદાર, સ્વીપર, લીફ્ટમેન, લીફટ એટેન્ડન્ટ, સફાઈ કામદાર, વોર્ડબોય, ડ્રેસર, આયા, કલીનર, ઓપરેશન થીયેટર એટેન્ડન્ટ, સ્ટ્રેચર બેરર, વોટરબેરર, હેલ્પર, મુકાદમ, રસોઈયા, મદદનીશ રસોઈયા, હમાલ, નાયક, હવાલદાર જેવી જગ્યાઓ ભરવા ઉપર રોક લગાવી આવી જગ્યાઓ આઉટ સોર્સિસથી ભરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.અને આમ કરી ગુજરાત રાજ્યમાં વર્ગ-૪ની જગ્યાઓ ની ભરતી કરવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. જેના કારણે રાજય સરકારમાં ઉપરોક્ત કેડરની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જેના કારણે આ જગ્યાની નોકરી માટે અપેક્ષા રાખતા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહેલ છે.રાજય સરકારના ઉપરોક્ત ઠરાવોને કારણે છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંત સમયથી રાજય સરકારની કચેરીઓ જેવી કે સરકારી હોસ્પિટલો, કોલેજો વિગેરેમાં ભરતી થઈ શકેલ નથી. જેના કારણે ઘણા યુવાનો રોજગારથી વંચિત રહેલા છે.સુરત શહેરના સુરત મ.ન.પા માં ૭૦૦૦ કરતાં વધુ જગ્યાઓ સફાઈ કામથી સંકળાયેલ ચ તે જગ્યાઓ છેલ્લા ૦૪ વર્ષ ઉપરાંતથી ભરાયેલ નથી. જેના કારણે અન્ય કર્મચારી ઉપર કામનું ભારણ વધી રહેલ છે.
રાજય સરકારના ઉપરોક્ત ઠરાવો રદ કરી વર્ગ-૪ ની ભરતી તાત્કાલિક કરવામાં આવે તેવી માંગણી આજ રોજ ની સભામાં કરવામાં આવેલ હતી. જો રાજયસરકાર આ માંગણી અંગે વિચારણામાં નહીં લે તો ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજ ધ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવશે. આ સભામાં ભાઈલાલ વૈષ્ણવ, શશિકાંત સોલંકી ,કાંતિભાઈ સોલંકી રવિભાઈ સુરતી, શ્યામભાઈ ટેનિયા, ગવલેશ ભગત, સુભાષભાઈ સોલંકી, જીતેન્દ્રભાઈ સોલંકી વિગરે સભામાં હાજર રહયા હતા. અને વાલ્મીકિ સમાજ ની એક મોટી મિટિંગ તા.૧૯/૦૬/૨૦૨૬ ના રોજ સુરત મુકામે રાખવામાં આવેલ છે.




