
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતનું બંધારણ પણ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યની જવાબદારી શ્રમિકોનું કલ્યાણ કરવાની છે એમ કહે છે, પણ ગુજરાતમાં તો શ્રમિકોનું શોષણ સરકાર પોતે જ કરે છે? વાડ જ ચીભડાં ગળે અને ચોકીદાર જ ચોરી કરે એવી સ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે.
ભાજપની સરકાર અને મોદી શબ્દોને રમાડવામાં માહેર છે: એટલે એમણે સરકારી કર્મચારીઓ માટે એક શબ્દ શોધી કાઢયો છે અને તે છે કર્મયોગી? આ કર્મયોગી પાસે તેઓ કર્મ કરાવે છે અને તે કર્મને યોગ સમજવાનું કહેવાયું છે? એટલે એમને નિયમ મુજબ મળવાપાત્ર વળતર નહીં આપવું એવું સરકારે નક્કી કર્યું છે. સરકાર આવું કરે છે અને તેને એ સુશાસન પણ કહે છે. જે પ્રાથમિક શિક્ષક નિયમ મુજબ પગાર પંચના ધારાધોરણો મુજબ પગાર મેળવવાને પાત્ર હોય તેને રૂપિયા ૨૫૦૦/- માં શિક્ષક થવાનું કહેવાય છે. લગભગ એક દાયકા સુધી શિક્ષક કે જેને વિદ્યાસહાયક કહેવાયા. તેમના પગાર રૂપિયા ૨૫૦૦/- જેટલો જ સ્થિર રહ્યો. રાજ્યના પ્રધાનો અને ધારાસભ્યોના પગારો અને ભથ્થાં વધ્યા જે ક્યારેક લગભગ રૂપિયા ૫૫૦૦૦/- હતા. પણ વિદ્યાસહાયકો નો પગાર વધ્યો નહીં. પછી લગભગ દસેક વર્ષ બાદ તેમનો (વિદ્યા સહાયકોનો) પગાર રૂપિયા ૪૫૦૦/- થયો અને અત્યારે રૂપિયા ૫૩૦૦/- થયો. આમ એક શિક્ષકને રોજનું રૂપિયા ૧૭૦/- નું વેતન મળે છે. જ્યારે નરેગા હેઠળ શારીરિક મજૂરી કરનારને દૈનિક રૂપિયા ૧૪૭/- નું વેતન મળે છે. આમ દહાડિયા મજુર કરતા શિક્ષકોને રોજના ૩૦ રૂપિયા જ વધારે મળે છે? અનેક વિદ્યાસહાયકો માત્ર સ્નાતક કે પીટીસી કરેલા જ હોય છે એવું નથી. ઘણા બધાએ અનુસ્નાતક, એમ.ફીલ અને પી.એચ.ડી ની ઉપાધિઓ પણ મેળવેલી હોય છે. એટલે કે ૧૨ મા ધોરણ પછી ત્રણ, પાંચ કે સાત-આઠ વર્ષનો અભ્યાસ કરનારી વ્યક્તિને દહાડિયા મજૂર જેટલું જ વેતન ગુજરાત સરકાર પાંચ વર્ષ સુધી આપે એને શું સુશાસન કહેવાય?
એક પ્લમ્બર ઘરમાં એક નળ નાંખવા કે રીપેરીંગ કરવા આવે તો પણ તે અર્ધો કલાકના કામ પેટે રૂપિયા ૨૦૦/- મજૂરી લે છે.ઇલેક્ટ્રિશિયન તો તેનાથી પણ વધારે પૈસા લે છે. સામાન્ય કડિયા પણ છ કલાકની મજૂરીના રૂપિયા ૭૦૦/- થી રૂપિયા ૧૦૦૦/- ની મજૂરી મેળવે છે. પણ ગુજરાતનો શિક્ષક રૂપિયા ૧૭૭/- જ મેળવે છે? સમજ્યા આને કહેવાય વિકાસ!
આતો સરકારી શાળાના શિક્ષકની વાત છે. પણ ગુજરાત સરકારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું જે ખાનગીકરણ કર્યું છે તેની પરિસ્થિતિ તો ભારે ખરાબ છે.સ્વનિર્ભર શાળાઓમાં હજારો શિક્ષકોને મહિને રૂપિયા ૧૫૦૦/- પગાર આજે પણ મળે છે. જુનિયર કેજી, સિનિયર કેજી અને ચાર કે પાંચ ધોરણ સુધીના શિક્ષકોને સંખ્યાબંધ શાળાઓમાં આટલો જ કે તેનાથી થોડોક વધારે પગાર મળે છે. ત્યારે તેઓ બાળકને શું ભણાવી શકે? અને કેવું ભણાવે? એ પ્રજાએ વિચારવાનું છે.





