
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાતના અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી ગાંધીનગર તરફ કૂચ કરતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ રેલીમાં મહિલા ખેડૂતો પણ ઉમટી પડતા વાતાવરણમાં ખેડૂતોનો આક્રોષ સરકાર સામે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં વીજપોલ નાખવામાં આવતા અને એનું પૂરતું વળતર નહીં મળતું હોવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દા સહિત ખેડૂતોના કેટલાક પ્રશ્નોને લઈને ગઈકાલે વિરોધ કરવા ગુજરાતના અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રેક્ટર-રેલી યોજી ગાંધીનગર તરફ કૂચ કરી હતી.
રેલીની મંજૂરી મળી ન હોવાથી અમદાવાદ રિંગરોડ પર જડબેસલાક પોલીસ બંદોબસ્તે ખેડૂતોની રેલી અટકાવી હતી. જેના પગલે થોડા સમય માટે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રેલીને અટકાવાતા ખેડૂતો ગાંધીનગર સુધી રજૂઆત કરવા જઈ શક્યા નહોતા. આ રેલીની ખાસવાત એ હતી કે ટ્રેક્ટર રેલીમાં મહિલા ખેડૂતો પણ જોડાઈ હતી અને ખેડૂતોના ન્યાયની માંગણી કરી હતી.
કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ સહિતના વિવિધ ખેડૂત સંગઠનો એ ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજી હતી. જેમાં ખેડૂતો ઉપરાંત ગુજરાત કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. આ રેલીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો તેમના ટ્રેક્ટર લઈને પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે રેલીમાં ઉમટ્યા હતા.





