
દર્દીઓને મળશે લાભ.સિવિલમાં હવે પેશાબની જટિલ સમસ્યાનું થશે ફ્રી અને સચોટ નિદાન.૧૨૦૦ બેડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગની ઓપીડીમાં દર બુધવાર-શનિવારે દર્દીઓ આ સુવિધાનો લાભ મેળવી શકશે.અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિવિધ ક્ષેત્રોમાં દર્દીઓ માટે ખુબ સુંદર કામ કરી રહી છે. હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે વિવિધ ટેક્નોલોજી પણ અપનાવવામાં આવી રહી છે. હવે સિવિલના યુરોલોજી વિભાગમાં ૫૫ લાખના ખર્ચે આધુનિક યુરોડાયનેમિક સ્ટડી સેવાની શરૂઆત કરવામાં આવી છે.
યુરોડાયનેમિક સ્ટડી દ્વારા મૂત્રાશય અને મૂત્રનળી કેવી રીતે કાર્ય કરે છે તેની ચોક્કસ તપાસ શક્ય બનશે. યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહ જણાવે છે કે, “આ તપાસથી પેશાબની સમસ્યા ધરાવતા દર્દીને ચોક્કસ નિદાન મળે છે, જેના આધારે અસરકારક સારવાર આપી શકાય છે. પરિણામે, દર્દીઓને અનાવશ્યક દવાઓ કે સર્જરીના જાેખમમાંથી બચાવી શકાય છે.”
કયા રોગોમાં આ તપાસ ઉપયોગી છે?
આ તપાસ ખાસ કરીને નીચે મુજબની સમસ્યાઓમાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે:
• વારંવાર પેશાબ થવો કે પેશાબ અટકાવી ન શકવો.
• પેશાબ કરતી વખતે દુખાવો કે શરૂ કરવામાં મુશ્કેલી.
• ન્યુરોજેનિક બ્લેડર અને પ્રોસ્ટેટના રોગો.
• સ્ત્રીઓમાં યુરિન લીકેજની સમસ્યા.
• સ્પાઇનલ ઈન્જરી, ડાયાબિટીસ અને પાર્કિન્સન જેવી નસ સંબંધિત બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે આ પરીક્ષણ આશીર્વાદરૂપ છે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક ડો.રાકેશ જાેશીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આવી મોંઘી તપાસો માત્ર ખાનગી હોસ્પિટલો સુધી મર્યાદિત હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થતાં સામાન્ય દર્દીઓને આર્થિક બોજમાંથી મુક્તિ મળશે. સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી આ તપાસ દર્દીઓ માટે સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવશે.
રાજ્ય સરકારનો ઉદ્દેશ સરકારી હોસ્પિટલોમાં આધુનિક તપાસ અને સારવાર સુલભ બનાવવાનો છે. રૂ.૫૫ લાખનું અદ્યતન યુરોડાયનેમિક સાધન આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે, જેનાથી દર્દીઓને ચોક્કસ નિદાન અને યોગ્ય સારવાર મળી શકશે, એમ તેમણે ઉમેર્યું હતું.
સિવિલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગની ઓપીડીમાં દર બુધવાર તેમજ શનિવારે દર્દીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે.
પેશાબની સમસ્યા ધરાવતા દર્દીઓએ સિવિલ હોસ્પિટલની યુરોલોજી ઓપીડીમાં તપાસ કરાવવાની રહેશે, જેથી તેઓ આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ શકે.




