
ગાંધીનગર CID ક્રાઈમે ૧૬ આરોપી ઝડપ્યા ૭૭ કરોડનું દેશવ્યાપી મ્યુલ એકાઉન્ટ રેકેટ ઝડપાયું પોલીસે ૧૩ મોબાઈલ ફોન, ૧૩ ચેકબુક, બે પાસબુક અને ૪ બ્લેન્ક ચેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના બનાવો વચ્ચે ગાંધીનગર CID ક્રાઈમની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર છેતરપિંડી અને ઓનલાઈન ગેમિંગના કાળા નાણાંને સગેવગે કરવા માટે ભાડે રખાતા મ્યુલ એકાઉન્ટ્સ ચલાવતી ગેંગના ૧૬ સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસનીશોના મતે, આ ટોળકીએ દેશભરમાં અંદાજે ૭૭ કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડ આચર્યા છે અને આ રેકેટની કડીઓ દુબઈ સુધી જાેડાયેલી હોવાની આશંકા છે. આ ઉપરાંત, ૨૬૦થી વધુ બેંક ખાતાઓનો ડેટા અને ૩૭૫ સાયબર ફ્રોડ સાથે છેડો જાેડાયેલો હોવાનું ખૂલ્યું છે.
વડોદરામાંથી આ રેકેટનો મુખ્ય સૂત્રધાર કિરણ કરશનભાઈ જાેશી(રહે.થરાદ), સિદ્ધરાજ ગણપતભાઈ શિરવાડિયા, કાંકરેજના મહેશ લાલજીભાઈ જાેષી, પાલનપુરના જીગર રાજુભાઈ સોલંકી અને ઓગડના પ્રકાશ રામજીભાઈ જાેષીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ શિવમ એજન્સી, શિવધારા મસાલા બિઝનેસ અને એમઆર વોટર જેવી બોગસ કંપનીઓ બનાવી તેના નામે બેંક ખાતા ખોલાવતા હતા. આ ખાતાઓના ચેકબુક, ડેબિટ કાર્ડ અને સિમ કાર્ડ તેઓ સાયબર ઠગોને સોંપી દેતા હતા. જેમાં પોલીસે ૧૩ મોબાઈલ ફોન, ૧૩ ચેકબુક, બે પાસબુક અને ૪ બ્લેન્ક ચેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાલનપુરમાંથી મીત રતિલાલ શ્રીમાળી અને મેહુલ બાબુભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. મીત દ્વારા અનેક બેંક ખાતા ખોલાવી તેને મુખ્ય નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતા હતા. પોલીસને અહીંથી મોટી માત્રામાં બેંક વિગતો, આધાર અને પાન કાર્ડની માહિતી સહિતના ડિજિટલ રેકોર્ડ મળી આવ્યા છે.
તકનીકી વિશ્લેષણના આધારે પોલીસે ગોવામાં દરોડો પાડી પાટણના જીતુભાઈ ભુરાભાઈ ઠક્કર સહિત ૯ આરોપીની ધરપકડ કરી છે.
ગોવાથી આ ગેંગનું મુખ્ય સંચાલન થતું હતું. અહીંથી ૧૫ લેપટોપ, ૭૨ મોબાઈલ, ૧૨૬ સિમ કાર્ડ, ૧૧૫ ડેબિટ કાર્ડ અને અનેક ક્યુઆર(QR) કોડ મળી આવ્યા છે. લેપટોપમાંથી સાયબર ક્રાઈમની ફરિયાદોની પીડીએફ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીનો મસમોટો ડેટા મળી આવ્યો છે.
આ ગેંગ ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ સ્કેમ અને પાર્ટ-ટાઈમ જાેબના નામે લોકો સાથે ઠગાઈ કરતી હતી. ગેંગ પાસે ૨૬૦થી વધુ બેંક એકાઉન્ટ્સની વિગતો મળી હતી, જેના દ્વારા નાણાંની હેરાફેરી થતી હતી. રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ પોર્ટલ(૧૯૩૦) મુજબ, આ ખાતાઓ સાથે દેશભરની ૩૭૫ ફરિયાદો જાેડાયેલી છે, જેમાં કુલ ૭૭.૭૨ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓના વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટની તપાસમાં દુબઈ અને અન્ય દેશોના સંપર્કો મળી આવ્યા છે. વિદેશમાં બેઠેલા હેન્ડલર્સ સાથે બેંક ખાતાની વિગતો શેર કરવામાં આવતી હતી. આ રેકેટમાં હજુ પણ કેટલાક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે CID એ તપાસ તેજ કરી છે.





