આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ઝઘડિયા વિધાનસભાના પ્રભારી તથા જિલ્લા પંચાયત સભ્ય ભાઈ રજની વસાવાજી તેમજ ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાજી, જેઓ હંમેશા સામાન્ય જનતા સાથે થતા અન્યાય સામે ભાજપ સરકાર સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે, તેમને સરમુખત્યાર ભાજપ સરકારે જેલમાં પૂરીને જનતાનો અવાજ દબાવવાનો અસફળ પ્રયાસ કર્યો છે. આજે ગોપાલ રાયે જેલમાં બંધ રજનીભાઈ તેમજ સર્જનભાઈના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમને સાંત્વના આપી હતી અને ઝઘડિયા વિધાનસભાના હોદ્દેદારો સાથે એક અગત્યની બેઠક યોજી હતી. આ તકે તેમણે જુસ્સો વધારતા કહ્યું કે, આમ આદમી પાર્ટી એક પરિવાર છે અને જ્યારે પણ પરિવાર પર કોઈ મુશ્કેલી આવશે, ત્યારે આપણે સૌ સાથે મળીને વધુ મજબૂતાઈથી આ અન્યાય સામે લડીશું.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે, આજે ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠન વિસ્તારનું વિશેષ અભિયાન ચલાવી રહી છે. આજની બેઠકમાં સંગઠન વિસ્તાર અંગે તમામ પાસાઓ પર ચર્ચાઓ થઈ કે આગામી સમયમાં સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને ગામ સ્તર તથા બૂથ સ્તર સુધી કેવી રીતે પહોંચવું. આ સંગઠન સમીક્ષાની સાથે-સાથે આ લોકસભા વિસ્તારની અંદર આજે સરકારે જે આખું દમનચક્ર ચલાવી રાખ્યું છે, તે અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ છે. તેમણે ઉમેર્યું કે, આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાજીની સાથે અનેક સામાન્ય લોકોને ખોટી રીતે પકડીને, સજા આપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. અમારા ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને પણ પકડીને જેલમાં પૂરી દેવાયા છે. આ ઉપરાંત ઝઘડિયા વિધાનસભાના આપણા હોદ્દેદાર અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય રજની વસાવાજી તેમજ સર્જન વસાવાજીને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. જો આ તમામ લોકોને વહેલી તકે ન્યાય નહીં મળે, તો આગામી સોમવારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને પોતાનું માંગપત્ર તથા આવેદનપત્ર સોંપીને સરકારના આ દમન અને અત્યાચાર સામેની લડાઈને વધુ તેજ બનાવશે.





