
ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલો ભારત સરકારનો આકરો પ્રતિસાદ, વ્યાપારી જહાજાે પર હુમલો અસ્વીકાર્ય જહાજ પર સવાર ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજ ધરાવતા કાર્ગો જહાજ પર ભયાનક હુમલો થયો છે. આ ઘટનાને પગલે ભારત સરકારે સખત શબ્દોમાં નિંદા કરતાં તેને અસ્વીકાર્ય ગણાવી છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વ્યાપારી જહાજાે પર જાેવા મળી રહી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
પ્રાપ્ત પ્રાથમિક અહેવાલો મુજબ, ગુજરાતના દેવભૂમિ દ્વારકાના રહેવાસી સુલતાન અહેમદ અંસારની માલિકીનું કાર્ગો જહાજ MSV હાજી અલી ૧૩મેના રોજ ઓમાનની જળસીમામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. સોમાલિયાના બર્બેરા પોર્ટથી શારજાહ જઈ રહેલા આ જહાજ પર ડ્રોન અથવા મિસાઇલ જેવા પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને અંતે તે દરિયામાં ડૂબી ગયું હતું.
જહાજ પર હુમલો થતાની સાથે જ સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે ૩:૩૦ વાગ્યે જહાજ ઓમાનના દરિયાકાંઠે ફસાયું હતું. જાેકે, રાહતના સમાચાર એ છે કે જહાજ પર સવાર તમામ ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ઓમાન કોસ્ટ ગાર્ડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ખલાસીઓનું સફળતાપૂર્વક સ્થળાંતર કર્યું હતું. ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ ત્વરિત બચાવ કામગીરી માટે ઓમાનના સત્તાવાળાઓનો આભાર માન્યો છે.
વિદેશ મંત્રાલયે (MEA) એક સત્તાવાર નિવેદન જારી કરીને આ ઘટનાની આકરી ટીકા કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “ગઈકાલે ઓમાનના દરિયાકાંઠે ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર થયેલો હુમલો અસ્વીકાર્ય છે. નિર્દોષ નાગરિકો અને વ્યાપારી જહાજાેને નિશાન બનાવવાની પ્રથાને અમે સખત રીતે વખોડીએ છીએ. ભારતે સ્પષ્ટ કર્યું છે કે દરિયાઈ માર્ગો પર નેવિગેશનની સ્વતંત્રતા જળવાઈ રહેવી જાેઈએ અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં અવરોધ ઊભો કરવાનું ટાળવું જાેઈએ.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ ચરમસીમા પર છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલામાં ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ સમગ્ર ખાડી વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. ઈરાને વળતો પ્રહાર કરતાં ઈઝરાયલ અને અખાતી દેશોમાં સ્થિત અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. વધુમાં, તેહરાને વ્યૂહનીતિના ભાગરૂપે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝને બંધ કરવાની પણ જાહેરાત કરી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર પર મોટું જાેખમ તોળાઈ રહ્યું છે.





