
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પર મને દયા આવે છે. તમે લોકો ડ્રગ્સ પકડી શકતા નથી અને બેફામપણે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઉંદર ખાઈ જાય છે અફીણને હવા ખાઈ જાય છે અને આખું ગુજરાત રામ ભરોસે ચાલી રહ્યું છે અને બીજી બાજુ તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર અત્યાચારની સીમા વટાવી દીધી છે. તમે ગુજરાત સંભાળી શકતા નથી અને આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેઓ લોકો માટે અવાજ ઉઠાવે છે, લોકોના મુદ્દાઓની રજૂઆત કરે છે, તેમના પર તમે ખોટી FIR કરો છો. આજે આખા ગુજરાતની પોલીસ તમે આમ આદમી પાર્ટી પાછળ લગાડી દીધી છે. જેના કારણે ડ્રગ્સ અને દારૂ બેફામપણે વેચાય છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ એકદમ કથળી ગઈ છે, કારણ કે બધી પોલીસ તો તમે આમ આદમી પાર્ટી પાછળ લગાડી દીધી છે. તો આવી કામગીરી બદલ તમને શરમ આવવી જોઈએ. તમને એ વાતની બીક છે કે જો આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી જશે તો તમારે ગુજરાતમાંથી ઉતારા ભરવા પડશે. હું તો એમને એટલું કહીશ કે હાલતો તમારી આબરૂનું ધોવાણ થાય છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, તમે પોરબંદરમાં બે-ત્રણ કાર્યકર્તાઓ પર FIR કરાવી, જામનગરમાં બે ત્રણ કાર્યકર્તાઓ પર FIR કરાવી, જામનગરમાં અમારા સહયોગી મિત્રોને તમે જેલમાં બેસાડી દીધા છે, સુરેન્દ્રનગરમાં પ્રજાનો અવાજ ઉઠાવતા કમલેશ કોટેચા સહિતની આખી ટીમ પર તમે ખોટી FIR કરી છે. છેલ્લા એક મહિનામાં આમ આદમી પાર્ટીના 50 કાર્યકર્તાઓ પર તમે ખોટી FIR કરી છે. તમને એટલો ડર લાગી રહ્યો છે કે તમે ખાખીને આગળ કરી રહ્યા છો. હું પોલીસને પણ કહીશ કે તમે બંધારણના સોગંદ લઈને આવ્યા છો અને ખોટી FIR કરી રહ્યા છો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેલમાંથી બહાર આવશે અને ફરીથી મજબૂતીથી લડશે. પ્રજાને પણ કહેવા માગું છું કે રાવણ અને કંસની ઓલાદ જેવી આ સરકારની જાળમાંથી વહેલી તકે છોડાવવા માટે અમે એક થઈને લડી રહ્યા છીએ. પછી ભલે અમારા પર ગમે તેટલો અત્યાચાર થાય કે ખોટા કેસ થાય પરંતુ અમે ડરીશું નહી. પરંતુ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તો તમે જાતિ-જ્ઞાતિ અને ધર્મની રાજનીતિમાં વહેંચાયા વગર ઝાડુંનું બટન દબાવજો અને આ કંસ અને રાવણની સરકારને દૂર કરજો.





