આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારને ચેલેન્જ આપતા જણાવ્યુ હતું કે, આજકાલ ભાજપવાળા પંજાબની શાળાઓને બદનામ કરવામાં લાગેલા છે. 30 વર્ષથી તમારી ગુજરાતમાં સરકાર છે અને 4.5 વર્ષથી અમારી પંજાબમાં સરકાર છે. હું પંજાબની 1000 શાળાઓનું લિસ્ટ આપું છું, તમે ગુજરાતની 1000 શાળાઓનું લિસ્ટ આપો. આપણે બધા, તમે પણ આવો અને અમે પણ આવીએ. તમારા ગુજરાતની 1000 શાળાઓનું ઇન્સ્પેક્શન કરીએ અને સાથે મળીને પંજાબની 1000 શાળાઓનું ઇન્સ્પેક્શન કરીએ. કઈ શાળાઓ સારી છે? બધી મીડિયાને સાથે લઈને જઈશું. ભાજપવાળા પણ આવે અને અમે પણ આવીએ, બંને રાજ્યોની શાળાઓનું ઇન્સ્પેક્શન કરીએ. CJP એ ભાજપ શાસિત રાજ્યોમાં જ્યારે શાળાઓનું ઇન્સ્પેક્શન કરવાનું શરૂ કર્યું, ત્યારે એમની શાળાઓની જે ખરાબ હાલત છે તે સામે આવી રહી છે. તો તેમણે પોતાની શાળાઓ તો સુધારી નહીં, પરંતુ પંજાબની શાળાઓને બદનામ કરવાનું શરૂ કરી દીધું. માત્ર 4.5 વર્ષની અંદર અમે પંજાબની શાળાઓને એટલી શાનદાર બનાવી દીધી છે. પંજાબમાં લગભગ 19,700 શાળાઓ છે, જેમાંથી માત્ર 500 શાળાઓ જ બાકી રહી ગઈ છે. બાકીની 19,200 શાળાઓને અમે ખૂબ જ ઉત્તમ બનાવી દીધી છે. તે 500 શાળાઓમાં પણ કામ ચાલી રહ્યું છે અને તે પણ આગામી 1.5-2 વર્ષમાં સુધરી જશે. ભાજપવાળાને હું જણાવી દઉં કે આજે પંજાબ સરકારી શાળાઓના શિક્ષણમાં આખા દેશમાં નંબર વન પર છે. આ અમે નથી કહી રહ્યા, આ તમારી સેન્ટ્રલ ગવર્નમેન્ટના નીતિ આયોગનો રિપોર્ટ કહે છે. કેરળને પણ પાછળ છોડી દીધું છે. 2022માં જ્યારે અમારી સરકાર બની હતી, ત્યારે પંજાબ 28મા સ્થાને હતું અને 4.5 વર્ષમાં આજે પંજાબ આખા દેશમાં સરકારી શાળાઓના શિક્ષણમાં નંબર વન પોઝિશન પર છે.
વધુમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આ લોકો શું કરી રહ્યા છે? 2018નો એક જૂનો વિડીયો કાઢ્યો અને તેને ચલાવવા લાગ્યા, તે સમયે શાળા ખરાબ હતી. 2018ના વિડીયોને ચલાવીને કહેવા લાગ્યા કે “જુઓ આમ આદમી પાર્ટીની શાળા કેટલી ખરાબ છે”. તે સમયે કોંગ્રેસની સરકાર હતી અને 2017 સુધી ભાજપવાળા તમારી સરકાર હતી, તમે તે શાળાઓની આવી હાલત કરી રાખી હતી. અમે તે શાળાઓ શાનદાર બનાવી દીધી છે. અમારી દાનત સાફ છે. હજુ હમણાં જ રતન ઢિલ્લોન નામના અકાલી દળના એક સમર્થકે શાળાઓ વિશે એક ટ્વીટ કર્યું હતું. અમારા શિક્ષણ મંત્રીએ તેમને તરત જ બોલાવ્યા અને તે શાળા માટે ગ્રાન્ટ ઈશ્યુ કરી દીધી, જેથી રતન ઢિલ્લોને પોતે ટ્વીટ કરીને અમારા શિક્ષણ મંત્રી અને અમારી સરકારના વખાણ કર્યા. અમારી નીયત સાફ છે, અમે કામ સુધારવા માંગીએ છીએ. તમે અમારી સાચી ભૂલ બતાઓ, અમે તેને ઠીક કરીશું, પરંતુ ખોટી રીતે પંજાબના લોકોને બદનામ ન કરો. પંજાબની શાળાઓ માત્ર અમે નથી સુધારી, પંજાબની શાળાઓ પંજાબના લોકોએ, શિક્ષકોએ, પ્રિન્સિપાલ, વાલીઓ અને બાળકોએ સાથે મળીને સુધારી છે. તેમને બદનામ કરવાનો પ્રયાસ ન કરો. જૂના વિડીયો મૂકીને, AI થી એડિટિંગ કરીને કે ફેક ફોટો અને તસવીરો મૂકીને શાળાઓને બદનામ કરવાની કોશિશ ન કરો. ખૂબ જ મુશ્કેલીથી પંજાબની શાળાઓ સુધારી છે અને જો હિંમત હોય તો ભાજપવાળા આ ચેલેન્જ સ્વીકાર કરો. 1000 શાળાઓ તમે બતાવો, 1000 શાળાઓ અમે પંજાબની બતાવીએ છીએ અને સંયુક્ત ઇન્સ્પેક્શન આખો દેશ જોશે કે ગુજરાતમાં 30 વર્ષની સરકાર સારી છે કે પંજાબમાં 4.5 વર્ષની આમ આદમી પાર્ટીની સરકાર સારી છે.





