આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જબરદસ્ત રીતે આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટી પણ ગ્રાઉન્ડ પર ઉતરીને લોકોને મળી રહી છે. હું છેલ્લા ચાર પાંચ દિવસથી ગાંધીનગરમાં લોક સંવાદ કરી રહ્યો છું. આ દરમિયાન અનેક લોકોએ મને કહ્યું કે “જાહેરમાં અમે તમારી સાથે દેખાઈએ કે ન દેખાઈએ પણ મત તો તમને આપવાનો છે, કારણ કે હવે આ લોકોથી અમે ખૂબ જ કંટાળ્યા છીએ.” તો ભાજપના લોકો, ભાજપની સરકાર અને ભાજપની વ્યવસ્થાની વિરુદ્ધમાં જનતામાં જબરદસ્ત આક્રોશ છે અને આ આક્રોશ આ ચૂંટણીમાં લોકો મતના સ્વરૂપે કાઢવા માટે તૈયાર બેઠા છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખ્યા છે અને દરેક ઉમેદવારો મજબૂતીથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે ગાંધીનગરની જનતાને મારી વિનંતી છે કે ગત ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવાર જીત્યા હતા અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર જીત્યા હતા પરંતુ કોંગ્રેસના બંને ઉમેદવારોએ પાંચ વર્ષ સુધી પોતાનું કામ કર્યું નહીં અને ભાજપમાં જતા રહ્યા. જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે એક કોર્પોરેટર બન્યા હતા તુષાર પરીખ, એ પાંચ વર્ષ સુધી અડીખમ રહ્યા છે. આના પરથી દેખાય છે કે જો કોંગ્રેસને મત આપવામાં આવશે તો કોંગ્રેસના લોકો ભાજપમાં ભળી જશે. ગઈકાલે વિસાવદરમાં પણ એવું થયું કે ભાજપ અને કોંગ્રેસના લોકો ભેગા મળીને પ્રમુખની વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા. વિચાર કરો કે સત્તા પક્ષ અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યો તો કોંગ્રેસે એમને ટેકો આપ્યો. તો ગાંધીનગર હોય કે વિસાવદર હોય, કોંગ્રેસ અને ભાજપ એક જ છે અને જનતાને છેતરે છે. માટે ગાંધીનગરની જનતાને મારી વિનંતી છે કે આ વખતે નવયુવાનોને તમારા આશીર્વાદ આપો. ગાંધીનગરના માધ્યમથી ગુજરાતમાં બદલાવ લાવવા ઈચ્છતા ઈમાનદાર અને લડાયક માણસોને તમારો મત આપો.
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, બીજી એક ગંભીર બાબત એ છે કે અમારા એક ઉમેદવાર રાહુલભાઈને ભાજપના લોકોએ ગન પોઇન્ટ ઉપર કિડનેપ કર્યા અને છેલ્લા ચાર પાંચ દિવસથી એમને ધાક ધમકી આપવામાં આવી, એમના પરિવારને દબાવવામાં આવ્યા. ભાજપના કોલવડા ગામના ગુંડાઓ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર એટલું પ્રેશર કરવામાં આવ્યું અને ધમકી આપવામાં આવી કે “જો તું ચૂંટણીમાં ઉભો રહીશ તો ચૂંટણી પછી તને મારી નાંખવામાં આવશે.” અમે આ ઉમેદવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના પરિવારના લોકો ખૂબ જ ડરી ગયા છે, એટલા માટે તેમણે ચૂંટણીમાંથી હટી જવાનો નિર્ણય લીધો. મારું માનવું છે કે ભાજપના લોકો ફોર્મ પાછું ખેંચાવવા માટે, ફોર્મ રદ કરવા માટે અને જો ફોર્મ પાછું ન ખેંચે તો ઉમેદવારને ઘરે બેસાડી દેવા માટે જેટલી મહેનત કરે છે એટલી મહેનત તો જનતાની સેવા માટે કરતા હોત તો ચૂંટણીમાં આવી ગુંડાગર્દી ન કરવી પડત. એટલે ગાંધીનગરના લોકોને અમારી વિનંતી છે કે ગુંડાઓને જવાબ આપો, સારા માણસોને તક આપો અને આમ આદમી પાર્ટીને વોટ આપીને ગાંધીનગરમાં પરિવર્તન લાવો. રાહુલભાઈ ભાજપના વિકાસથી પ્રેરાઈને નહીં પરંતુ ભાજપના ગુંડાઓ સામે લાચાર થઈને ચૂંટણીમાંથી પીછેહટ કરી રહ્યા છે. રાહુલભાઈ ગઈ વખતે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા હતા અને ત્યારે પણ તેઓ ભાજપ સાથે ન હતા. છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ એમણે જાહેર જીવનમાં વિતાવ્યા ત્યારે પણ તેઓ ભાજપ સાથે ન હતા, આમ આદમી પાર્ટી સાથે ફોર્મ ભર્યું ત્યારે પણ તેઓ ભાજપ સાથે ન હતા. હું જ્યારે કોલવડા ગામમાં પ્રચાર માટે ગયો હતો ત્યારે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે તેઓ અમારી સાથે પ્રચારમાં હતા. જે રીતે રાહુલભાઈનો સમાજમાં મોભો છે અને ચૂંટણી જીતવાની સંભાવના છે, તેને જોતા કોલવડા ગામના ગુંડાઓએ તેમના પર અને પરિવાર પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા રાહુલભાઈએ મજબૂરીવશ આ પગલું ભર્યું છે.
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ગઈ વખતની ગાંધીનગરની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોએ એક સરખો ખર્ચ રજૂ કર્યો હતો. જેના કારણે ચૂંટણી પંચે એ લોકોને નોટિસ આપી હતી પરંતુ એ લોકો ચૂંટણી પંચ સમક્ષ હાજર થયા નહીં અને ગુજરાત ચૂંટણી આયોગની કાર્યવાહી આ લોકો સામે પેન્ડિંગ છે. આ 12 લોકો જે ફરીથી ચૂંટણી લડી રહ્યા છે એ લોકો જો ભૂલથી ચૂંટણી જીતશે તો પણ એમનું સભ્યપદ રદ થવાનું છે. તો સભ્યપદ રદ થવાની સંભાવના વાળા લોકોને વોટ આપવા કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લોકો મત આપે એવી મારી અપીલ છે.




