
ગાંધીનગરમાં દારૂના વેચાણની છૂટ આપી વિવાદ જગાવનાર રાજ્યની ભાજપ સરકારે હવે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પણ દારૂને આંશિક છૂટ આપતા નવા વિવાદને જન્મ આપ્યો છે. અગાઉ પરમિટ ધારકોને અન્ય શહેરોમાંથી દારૂ મેળવવો પડતો હતો, પરંતુ હવે ભાજપ સરકારની કૃપાથી કેટલીક પસંદગીની હોટલોમાં તારીખ ૧લી એપ્રિલથી દારૂનું વેચાણ શરૂ થવાનું છે. આ નિર્ણયને લઈને વિવિધ સ્તરે અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડૉ. નૂતન ગોકાણીએ એક વિડિયો સંદેશ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ડૉ. નૂતન ગોકાણીએ જણાવ્યું હતું કે હોટલોમાં દારૂ વેચવાની છૂટ આપવામાં આવી છે, જે અત્યંત શરમજનક અને ખેદજનક બાબત છે, ખાસ કરીને પોરબંદર જેવી જગ્યા માટે, જે વિશ્વભરમાં ગાંધીજીની જન્મભૂમિ તરીકે ઓળખાય છે. ગાંધીજીના સિદ્ધાંતો, નિયમો અને આદર્શો પર દુનિયા ચાલે છે, ત્યારે એ જ ભૂમિ પર દારૂ વેચાણ શરૂ કરવું ખૂબ જ નાશવંત અને વિરોધાભાસી નિર્ણય છે. તેમણે વધુમાં શંકા વ્યક્ત કરી હતી કે હોટલોમાં દારૂનું વેચાણ શંકાસ્પદ રીતે થઈ રહ્યું છે અને ૫૦૦ જેટલા લોકોને પરમિટ આપવામાં આવી હોવાની વાતો સામે આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આ તમામ લોકોને એવી કોઈ બીમારી છે કે જેના કારણે તેમને દારૂ પીવાની પરમિશન આપવામાં આવી છે? સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે ટુરિસ્ટના નામે પણ દારૂ વેચાણ થતું હોવાની ચર્ચા છે, જે યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોરબંદરથી જ દારૂની છૂટ શરૂ થવી અત્યંત ખોટું પગલું છે અને સરકાર માટે આથી ખરાબ નિર્ણય બીજો કોઈ હોઈ શકે નહીં. તેમણે માંગ કરી કે પોરબંદરને દારૂથી સંપૂર્ણપણે દૂર રાખવું જોઈએ.





