
મનપાની નિષ્ક્રિયતા સામે સવાલો પાંડેસરામાં મોબાઈલ ટાવર સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ માત્ર ૫૦ ફૂટના અંતરમાં પહેલાથી જ ત્રણ મોબાઈલ ટાવર કાર્યરત છે તેમ છતાં, વહીવટી તંત્ર કે કંપની દ્વારા ચોથું ટાવર ઉભું કરવાના પ્રયાસા સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના જલારામ નગરમાં મોબાઈલ ટાવર લગાવવાની કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. રહીશોનો મુખ્ય વિરોધ એ વાતને લઈને છે કે, માત્ર ૫૦ ફૂટના અંતરમાં પહેલાથી જ ત્રણ મોબાઈલ ટાવર કાર્યરત છે. તેમ છતાં, વહીવટી તંત્ર કે કંપની દ્વારા ચોથું ટાવર ઉભું કરવાના પ્રયાસો હાથ ધરાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થાનિકોને ભય છે કે આટલા નજીકના અંતરે એકસાથે આટલા ટાવર હોવાથી તેમાંથી નીકળતું હાનિકારક રેડિયેશન કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદે કે અયોગ્ય રીતે નંખાઈ રહેલા ટાવર બાબતે સુરત મહાનગરપાલિકા ને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. જાેકે, તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. રહેણાંક વિસ્તારની મધ્યમાં અને ગીચ વસ્તીમાં ટાવરોનો ખડકલો થવા છતાં તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ સામે લોકોમાં ભારે નારાજગી છે.આજે જ્યારે ટાવર લગાવવા માટેની કામગીરી ફરી શરૂ કરવામાં આવી, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ એકઠા થઈને કામ અટકાવી દીધું હતું. ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શનને જાેતા કોન્ટ્રાક્ટરે હાલ પૂરતું કામ સ્થગિત કરવાની ફરજ પડી હતી. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જાે અહીંથી ટાવર હટાવવામાં નહીં આવે અથવા નવી કામગીરી કાયમી ધોરણે બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં મનપા કચેરીએ જઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.





