
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
કતારગામ વેડદરવાજા પાસેના નાસિરનગર જેવા સ્લમ એરિયામાં સરાજાહેર ડંકાની ચોટ ઉપર પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલિશન કામગીરી દરમિયાન ૧૫૦ જેટલા મકાનો તોડી કેટલાક ગુંડા તત્વો અને ટપોરી તત્વોએ ગરીબોને ભરઉનાળે રસ્તા પર લાવી દીધા બાદ હવે આ મકાનો કોણે અને કયા નિયમો હેઠળ તોડયા તે સ્વીકારવા કોઈ તૈયાર નથી.
સુરત મ્યુ. કમિશનર ખુદ આ મેગા ડિમોલિશનથી અજાણ હોય તેવું માની જ કઈ રીતે શકાય, જ્યારે મહાનગરપાલિકા અને પોલીસની હાજરી હોવા છતાં આ ડિમોલિશન મહાનગરપાલિકાએ કર્યાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદમાં ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડીયાએ એન્ટ્રી કરતા સ્વીકાર્યું છે કે આ ડિમોલિશનની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે એક કરતાં વધુ મશીનો સાથે દિનદહાડે ૧૫૦ જેટલા લોકોને મકાનો તોડી નાખનાર “ભૂત” એટલે કે અદ્રશ્ય “મિસ્ટર ઇન્ડિયા” કોણ?
આ બાબતે સેન્ટ્રલ ઝોનના ઓફિશિયલ્સે સ્પષ્ટ કર્યું છે કે પાલિકાની ટીમ ત્યાં માત્ર કાયદેસરની “લાઈનદોરી” (રોડ માર્જિન અને માપણી) ની કામગીરી કરવા માટે જ ગઈ હતી. ત્યાં કોઈપણ પ્રકારનું ઓફિશિયલ ડીમોલિશન કે કાચા-પાકા મકાનો તોડવાનો આદેશ આપવામાં આવ્યો ન હતો કે ન તો કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની વહીવટી ફાઇલોમાં પણ આ પ્રકારના કોઈ તોડફોડની નોંધ નથી.
આ પરિસ્થિતિ જોતા ધારાસભ્યે પણ ભારે આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી છે કે જો મહાનગરપાલિકાએ આ તોડફોડ નથી કરી તો ધોળા દિવસે જેસીબી અને હિટાચી મશીનો લઈને આખો સ્લમ વિસ્તાર સાફ કરી જવાની હિંમત કોણે કરી? શું આની પાછળ કોઈ લેન્ડ માફિયા કે બિલ્ડર લોબી કામ કરી રહ્યા છે? તે દિશામાં હવે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે.
આમ ધોળા દિવસે આખા વિસ્તારમાં ગેરકાયદે તોડફોડ થઈ જાય,સેંકડો લોકો બેઘર બની જાય અને પોલીસ તંત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતું રહે અથવા આડકતરી રીતે મદદ કરતુ હોય, તે સુરત પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી અને ઘોર બેદરકારી સાબિત થઈ છે. આ રીતે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ જ્યારે સામે આવી રહ્યા છે. અને સુરત મહાનગરપાલિકાએ આ સમગ્ર મામલામાંથી સત્તાવાર રીતે પોતાનો હાથ ખેંચી લીધો છે. જેને પગલે હવે આ આખું ઓપરેશન કોઈ ખાનગી સોપારી અથવા લેન્ડ ગ્રેબીંગની રમત હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે. બીજી તરફ ડિમોલિશનની સાઇટ પર હાજર રહેલા ભારે મશીનોના માલિક મોહસીન ફ્રૂટવાલાએ આખા પ્રકરણનો સૌથી મોટો પુરાવારૂપ ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે, અમારી પાસે આ મશીનો સુરત
મહાનગરપાલિકાના જ જાણીતા કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતે ભાડે મંગાવ્યા હતા. આથી આ બાબત સ્પષ્ટ છે કે મહાનગરપાલિકા સાથે સંકળાયેલા નું જ આ કૃત્ય છે. ત્યારે હવે કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત હાલ ભૂગર્ભમાં છે. જ્યારે બહાર આવે ત્યારે જ સત્ય બહાર આવશે.





