આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુદ્દે જે નિવેદન આપ્યું છે તેનાથી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે. જ્યારે એક ધારાસભ્ય રોડ, રસ્તા, પાણી અને પોતાના હક અધિકારની વાતો કરે છે તો તેમને જેલમાં નાખવામાં આવે છે, અત્યાર સુધી એવું લાગતું હતું કે અહીંયાના લોકલ ધારાસભ્યો અને સાંસદો આ કેસમાં જોડાયેલા હતા, પરંતુ ગઈકાલે દેશના વડાપ્રધાને જે નિવેદન આપ્યું એ જોઈને એવું લાગી રહ્યું છે કે કદાચ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ આ કેસમાં ઇન્વોલ્વ છે અને તેઓ મોનિટરિંગ કરી રહ્યા છે. ડેડીયાપાડામાં દેશના વડાપ્રધાનનો કાર્યક્રમ હતો એને લઈને ચૈતરભાઈ વસાવાએ જે હિસાબ માંગ્યો તો શું એ વાત ભાજપના લોકોને ખૂંચી રહી છે? જ્યારે વડાપ્રધાનનો કાર્યક્રમ હતો ત્યારે નેત્રંગમાં ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યક્રમમાં સ્વયંભૂ લાખો લોકો ઉમટી પડ્યા હતા અને એ આ દેશના વડાપ્રધાન અને ભાજપને ખૂંચી રહ્યું હોય એમ લાગે છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આ દેશમાં હજારો ધારાસભ્યો અને સાંસદો છે પરંતુ એમની કોઈ વાત નથી કરતા પરંતુ તમે આજે એક ધારાસભ્ય માટે આવા નિવેદન કરો એ કેટલું યોગ્ય છે? અંબાજીથી ઉમરગામના આદિવાસી સમાજના લોકો સહિત તમામ સમાજના લોકોને કહેવા માગું છું કે જે પણ લોકો દરેક સમાજ માટે અવાજ ઉઠાવે છે અને આપણા પ્રશ્નોના નિરાકરણ માટે જે લોકો લડે છે એવા ધારાસભ્ય ચૈતર વસાવાનો અવાજ દબાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે. બુટલેગરો, બળાત્કારીઓ અને બે નંબરના ધંધા કરવાવાળા લોકો આજે બહાર છે. બચુભાઈ ખાબડે 2500 કરોડનું કૌભાંડ કર્યું અને ફક્ત એમનું મંત્રી પદ લઈ લેવામાં આવ્યું પરંતુ એમના પર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ઘણા ભાજપના નેતાઓએ સરકારી કર્મચારીઓને ઢોર માર માર્યા છે પરંતુ એમના પર એક્શન લેવાતા નથી પરંતુ આજે તમે ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા પર એક સામાન્ય કેસ મુદ્દે નિવેદન કરી રહ્યા છો. વડાપ્રધાન મોદીજી તમે અમારા પિતા સમાન છો અને તમે આવી મેટરોમાં જો ઇન્વોલ્વ થતા હોય તો આ કેટલું યોગ્ય છે? અને શું આ દેશમાં હવે ન્યાયતંત્ર જેવું કંઈ રહ્યું છે? અમારે ન્યાય માંગવો તો કોની પાસે માંગવો? હવે આદિવાસી સમાજ સહિત તમામ સમાજને અપીલ છે કે હવે આપણે તમામ લોકોએ જાગવું પડશે.





