
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
મોડાસા સ્થિત પતંજલિ સ્ટોર દ્વારા એક જાગૃત ગ્રાહકને બિલ આપ્યા વિના એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવા છતાં ખાદ્ય સામગ્રી પધરાવી દેવાના મામલે કોર્ટે પતંજલિ સ્ટોર્સ અને કંપની સામે કડક વલણ અપનાવી રૂપિયા 50,000 નો દંડ ફટકાર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ વડાગામના રહીશ અને જાગૃત ગ્રાહક રાહુલભાઈ પ્રજાપતિએ તા.૨૩/૦૪/૨૦૨૪ ના રોજ મોડાસા ખાતે આવેલા “સર્વોદય ચિકિત્સાલય પતંજલિ સ્ટોર્સ” પરથી પતંજલિ કંપનીનું “હિમાલય ચેરી પેપર પીકલ (અથાણું)” જરૂરી રકમ ચૂકવીને ખરીદ્યું હતું. ખરીદી કર્યા બાદ રાહુલભાઈએ નિયમ મુજબ દુકાનદાર પાસે પાકુ બિલ માંગ્યું હતું. પરંતુ સ્ટોર દ્વારા બિલ આપવાનો સાફ ઇનકાર કરી દેવાયો હતો.
ગ્રાહકે જ્યારે અથાણાની બોટલ પરની વિગતો ચકાસી તો ચોંકાવનારી બાબત સામે આવી કે તે પ્રોડક્ટની એક્સપાયરી ડેટ તા.૨૪/૦૧/૨૦૨૪ ના રોજ એટલે કે ખરીદીના ત્રણ મહિના પહેલાં જ વીતી ગઈ હતી. ગ્રાહકે આ અંગે સ્ટોર સંચાલકને બિલ આપવા અને એક્સપાયરી ડેટ અંગે નમ્ર રજૂઆત કરી વિનંતી કરી હોવા છતાં સ્ટોર દ્વારા તેમની વાતને બિલકુલ ધ્યાને લેવામાં આવી નહોતી. સ્ટોરના માલિકના આ વલણથી નારાજ થઈને ગ્રાહક રાહુલભાઈએ આ અંગે અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદની ઓફિસે લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. સંસ્થાના પ્રતિનિધિ સિરાજ મનસુરીએ આ મામલે પતંજલિ સ્ટોરને સત્તાવાર નોટિસ પાઠવી હતી. પરંતુ પતંજલિ તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો.
ગ્રાહક હિતમાં પતંજલિ સ્ટોર્સ (મોડાસા) તેમજ ઉત્પાદક પતંજલિ કંપની વિરુદ્ધ અરવલ્લી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. જ્યાં અરવલ્લી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ એમ. એચ. પટેલ અને મેમ્બર એસ.પી. શ્રીમાળીની જયુરી સમક્ષ કેસ ચાલતા મોડાસાના પતંજલિ સ્ટોર વિરુધ્ધ કડક ચુકાદો આપવામાં આવ્યો છે.
જેમાં કમિશને અનૈતિક વેપાર પધ્ધતિ બદલ પતંજલિને રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકારી તે રકમ ગાંધીનગરના “ગ્રાહક કલ્યાણ નિધિ” ફંડમાં જમા કરાવવા આદેશ કર્યો છે. તેમજ ફરિયાદી ગ્રાહક રાહુલભાઈ પ્રજાપતિને વસ્તુની પૂરેપૂરી કિંમત કેસ દાખલ કર્યાની તારીખથી ૭ % વ્યાજ સાથે પરત આપવા અને માનસિક યાતના તથા કાનૂની લડતના ખર્ચ પેટે રૂપિયા ૪૦૦૦ અલગથી ચૂકવવાનો હુકમ કરી ગેરરીતિ આચારતા વેપારીઓને લાલબત્તી સમાન કડક સંદેશ આપ્યો છે.
આ ઐતિહાસિક નિર્ણયથી જાગૃત ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે, જ્યારે ગેરકાયદેસર રીતે એક્સપાયરી માલ વેચતા કે બિલ ન આપતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.





