
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમારે એક વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, ગતરાત્રે કોળી સમાજના આગેવાન અને મઢુલી ગામના કોળી સમાજના પ્રમુખ ધીરુભાઈના પરિવાર પર અમુક આવારા તત્વો દ્વારા જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી. આ હુમલાના વિડીયો પણ પરિવારને ઉતાર્યા છે. નેશનલ હાઇવે પર આવવાના તત્વો આવીને તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ લઈને ખુલ્લેઆમ ધીરુભાઈ અને તેમના પરિવારની મહિલાઓને મારવાની કોશિશ કરે છે. આ પરિવાર એ હુમલાખોરોને ઓળખતા પણ નથી. માટે પરિવારનું માનવું છે કે આ હુમલાખોરોને કોઈએ સોપારી આપી હોય એવું લાગી રહ્યું છે. નેશનલ હાઈવે પર એક પરિવાર પર જીવલેણ હુમલો થાય છે તો ક્યાં છે સુરક્ષાની વાતો કરનારી પોલીસ? ગુજરાતના ગૃહમંત્રી અને SPને અમારો સવાલ છે કે આ છે ગુજરાતની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા?
વધુમાં AAP નેતા પિયુષ પરમારે જણાવ્યું હતું કે, આ મોટો સવાલ છે કે કોણે ધીરુભાઈના પરિવારને સોપારી આપી અને કોણે હુમલો કરાવ્યો? ગઈકાલે ધીરુભાઈ FIR દાખલ કરવા ગયા પણ હજુ સુધી તેમની FIR દાખલ કરવામાં નથી આવી, તો તંત્ર શું કરી રહ્યું છે? કોળી સમાજના આગેવાનોને હું કહેવા માંગીશ કે અમે તો આ મુદ્દા પર પૂરો સાથ સહકાર આપી રહ્યા છીએ પરંતુ સમાજના આગેવાનોની પણ જવાબદારી છે આ મુદ્દા પર પોતાનો સહકાર આપે. કારણ કે આવા તત્વોને જો છાવરવામાં આવશે તો સામાન્ય લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની જશે. ધીરુભાઈની ન્યાયની લડાઈમાં હું પોતે પિયુષ પરમાર અને સમગ્ર આમ આદમી પાર્ટી ધીરુભાઈ અને તેમના પરિવારની સાથે ઊભા છીએ. હુમલો કરનાર જે લોકો છે તે લોકો પર ભૂતકાળમાં મર્ડર, ખંડણી જેવા ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. આ અગાઉ પણ આ પરિવારના નાના દીકરા પર હુમલો થયો હતો, તો શું એ ઘટના સાથે પણ ગઈકાલની ઘટનાના તાર જોડાયેલા તો નથી ને? માટે અમારી માંગ છે કે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને ન્યાય આપવામાં આવે.




