એક મહિનામાં આત્મસમર્પણનો આદેશ પૂર્વ સાંસદ આનંદ મોહનને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો બિહાર સરકારના ૨૦૨૩ના સજા માફી નિયમમાં કરાયેલા ફેરફારને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યો બિહારના પૂર્વ સાંસદ આનંદ મોહનને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ૧૯૯૪માં તત્કાલીન ગોપાલગંજ જિલ્લા મેજિસ્ટ્રેટ અન IAS અધિકારી જી. કૃષ્ણૈયાની હત્યા કેસમાં દોષિત ઠરેલા આનંદ મોહનની સમયપૂર્વ મુક્તિને કોર્ટે રદ કરી છે. સાથે જ તેમને એક મહિનાની અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની ખંડપીઠે દિવંગત અધિકારીની પત્ની ઉમા કૃષ્ણૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો આપ્યો હતો. કોર્ટે બિહાર સરકારે એપ્રિલ ૨૦૨૩માં સજા માફી નીતિમાં કરેલા ફેરફારને મનસ્વી અને ગેરબંધારણીય ગણાવ્યો છે.
આ સુધારા હેઠળ ફરજ પર રહેલા સરકારી કર્મચારીની હત્યા જેવા ગંભીર ગુનામાં દોષિત વ્યક્તિઓને પણ સમયપૂર્વ મુક્તિ માટે પાત્ર બનાવવામાં આવ્યા હતા. કોર્ટે જણાવ્યું કે આ ફેરફાર પાછળ યોગ્ય અને તર્કસંગત જાહેર હેતુ દર્શાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી હતી.
બિહાર જેલ મેન્યુઅલમાં ફેરફાર બાદ આનંદ મોહનને લગભગ ૧૪ વર્ષ જેલમાં વિતાવ્યા પછી ૨૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉના નિયમો મુજબ ફરજ પર રહેલા સરકારી કર્મચારીની હત્યાના દોષિતોને ઓછામાં ઓછા ૨૦ વર્ષની સજા પૂર્ણ કર્યા વિના સમયપૂર્વ મુક્તિ મળતી નહોતી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સજા માફી અંગે ર્નિણય લેતી વખતે પીડિત પરિવારને સાંભળવાની પૂરતી તક આપવી જરૂરી છે. જાેકે, પરિવારના વાંધાને અંતિમ વીટો તરીકે ગણાવી શકાય નહીં. રાજ્ય સરકાર યોગ્ય પ્રક્રિયા અને પીડિત પરિવારની વાત સાંભળ્યા બાદ સજા માફી અંગે નવેસરથી વિચાર કરી શકે છે.
કોર્ટે બિહાર સરકારના સુધારાને બંધારણના અનુચ્છેદ ૧૪ અને અનુચ્છેદ ૨૧ સાથે અસંગત ગણાવ્યો છે.
આ ચુકાદો સજા માફી અને દોષિતોની સમયપૂર્વ મુક્તિ અંગે રાજ્ય સરકારોની સત્તા અને તેની મર્યાદાઓ પર મહત્વપૂર્ણ અસર પાડે તેવી શક્યતા છે.




