
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડીયાપાડાના એપીએમસી માર્કેટમાં (હાટ બજાર) ખાતે આદિવાસી સમાજના સંગઠનોના પ્રતિનિધિઓ, સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા દરેક સમાજના પ્રતિનિધિઓની એક મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 2 જુલાઈના રોજ ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે સવારે 11 કલાકે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા” આયોજન કરવામાં આવશે. આ “સામાજિક જનસમર્થન સભા”માં અંબાજીથી ઉમરગામ અને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદો સહિત તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ અને લોકોને સાથે રાખીને ઉપસ્થિત રહેશે. તારીખ 2 જુલાઈના રોજ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તમામ નવ લોકોને ન્યાય મળે એ માટે અવાજ ઉલંદ કરવામાં આવશે.
આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જ્યારે અમે સાહેબ સાથે મુલાકાત કરવા ગયા હતા, તેમણે અમને કહ્યું હતું કે “સામાજિક રીતે તમે જે પ્રોગ્રામ કરી રહ્યા છો એમાં આપણા મોટા નેતાઓ જેઓ આપણને સાથ સહકાર આપી રહ્યા છે એવા તમામ લોકોને આમંત્રણ આપશો.” ત્યારબાદ વર્ષાબેન વસાવાએ ભીની આંખ સાથે ભાવુક થઈને કહ્યું કે, “અમે ત્યાં જોયું અને સૌથી દુઃખદ બાબત એ છે કે જે 17-18 દિવસનું બાળક હતું, એ આખી રાત જેલમાં રડી રહ્યું છે. વારંવાર પરિવારને આ રીતે પરેશાન કરવામાં આવે છે એટલે ઘણી વખત મારું પણ મનોબળ તૂટી જાય છે. હાલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં લોકોને લઈને કાર્યક્રમમાં પધારશે એવી હું આશા રાખું છું. મારું મનોબળ મજબૂત કરવા માટે મને તમારા તમામનો સાથ સહકાર જોઈએ છે.”
વધુમાં વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, તમામ સંગઠનોના તથા સામાજિક કાર્યકરોને ખાસ અપીલ કરવા માગું છું કે ધારાસભ્ય સાહેબ નથી તો અમારે નથી જવું એમ ન વિચારતા, આપ તમામ લોકોએ ધારાસભ્યની જરૂરિયાતને પૂરી કરવાની છે, હું બાળકો માટે હોસ્ટેલમાં પણ જાઉં છું, જેલમાં પણ જાઉં છું અને દરેક જગ્યાએ મારી દોડધામ વધી ગઈ છે, માટે હવે તમામ કાર્યકર્તાઓની અપીલ છે કે જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં તમે પોતે જાઓ. આપણે શાંતિપૂર્વક કાર્યક્રમ કરવાનો છે આપણે કોઈની સાથે લડાઈ ઝઘડો કરવાનો નથી. શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ કરીને આપણા તમામ લોકોને ન્યાય મળે એ આપણું લક્ષ છે અને જે બાળક છે, એને જેલમાંથી બહાર લાવવાનું છે. નાનું બાળક નિર્દોષ છે પરંતુ ખોટી રીતે કેસ કરીને જેમાં મોકલવામાં આવ્યા છે તો એનો તો આપણે જડબાતોડ જવાબ આપીશું. આપ તમામ લોકો મારા અને મારા પરિવારને તમે સાથ સહકાર આપશો એવી આશા રાખું છું.





