
સાસણગીર બોગસ બુકિંગ કૌભાંડ.વેબસાઈટ સાથે ચેડાં કરી ઊંચા ભાવે ટિકિટ વેચતા ૩ આરોપીઓની ધરપકડ.ગેરકાયદેસર ચેડાં કરીને સિંહ દર્શનની ટિકિટોની કૃત્રિમ અછત ઊભી કરી ઊંચા ભાવે વેચાણ કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છ.સાસણગીરના પ્રવાસી સ્લોટના બોગસ બુકિંગ મામલે ગુજરાત સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે. વન વિભાગની વેબસાઈટ સાથે ગેરકાયદેસર ચેડાં કરીને સિંહ દર્શનની ટિકિટોની કૃત્રિમ અછત ઊભી કરી ઊંચા ભાવે વેચાણ કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સીઆઈડી ક્રાઈમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ સિંહ દર્શન માટેની ઓનલાઈન પરમિટ બુકિંગની સરકારી વેબસાઈટની સરળતાનો દુરુપયોગ કરતા હતા. સરકારી નિયમ મુજબ એક વ્યક્તિને એક પરમિટ મળવી જાેઈએ, પરંતુ આરોપીઓ એક જ નામે, ઈમેઈલ આઈડીમાં સામાન્ય ફેરફાર (નામ વધારીને) કરીને ગેરકાયદેસર રીતે એકથી વધુ સ્લોટ બુક કરી લેતા હતા.
આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં થયેલા કુલ ૮૩ હજારથી વધુ બુકિંગમાંથી અંદાજે ૧૨ હજાર જેટલા બુકિંગ અનઅધિકૃત રીતે કરવામાં આવ્યા હતા. આ આરોપીઓ સામાન્ય દિવસો કરતાં વધુ ભાવે અને જ્યારે પ્રવાસીઓનો ધસારો વધુ હોય ત્યારે મૂળ સરકારી ચાર્જ કરતાં બમણાથી નવ ગણા ભાવે આ ટિકિટોનું વેચાણ કરતા હતા, જેનાથી પ્રવાસીઓ પાસેથી મસમોટી રકમ પડાવી લેવામાં આવી હતી. બોગસ બુકિંગમાં AB ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ જેવી એજન્સીઓના નામો સામે આવ્યા છે.
સાયબર ક્રાઈમે આ મામલે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, અલ્પેશ ભલાણી (રહે. થલતેજ, અમદાવાદ), સુલતાન બલોચ (રહે. સાસણ ગીર), એજાજ શેખ (રહે. સાસણ ગીર)
સેન્ટર ઓફ એક્સેલન્સના SP વિવેક ભેડાના જણાવ્યા મુજબ, આરોપીઓ દ્વારા પહેલેથી જ રજિસ્ટ્રેશન કરાવી લેવામાં આવતું હતું જેથી તેઓ એકસાથે અનેક પરમિટ બેરિયર બુક કરી શકે. હાલમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અન્ય ટ્રાવેલ્સ એજન્ટો કે વ્યક્તિઓ આ રીતે ગેરકાયદેસર બુકિંગ કરતા હશે તો તેમની પણ તપાસ કરવામાં આવશે.




