(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. ૨૭ (ડિંડોલી-દક્ષિણ) ના કોર્પોરેટર અને હાલના ડેપ્યુટી મેયર સુધાકર લોટનભાઈ ચૌધરી હમણાં જ જલગાંવ ખાતે અમલનેરમાં આવેલ પોતાના વતન કડમસર ખાતે પહોંચ્યા હતા. ગામમાં આવેલા મંદિરનાં એક દિવસીય કાર્યક્રમમાં પહોંચેલા સુધાકર ચૌધરીનું ગ્રામજનો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેઓએ ગામના મંદિરમાં મહાદેવના આશીર્વાદ લીધા બાદ ગ્રામજનોએ તેમનું અભિવાદન પણ કર્યું હતું. જો કે આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન તેઓ દ્વારા સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવતા વિવાદનો મધપૂડો છંછોડાયો છે. સુરત થી અંદાજે 300 કિલોમીટર દૂર આવેલા તેમના ગામ સુધી તેઓ સરકારી ગાડીમાં પહોંચ્યા હતા. અને ગામમાં પહોંચતા જ સુમસામ રસ્તો હોવા છતાં વટ પાડવા માટે તેઓની ગાડીમાંથી સાયરનનો અવાજ ગૂંજી ઉઠ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સરકારી રૂપિયાના વેડફાટ અંગે સુધાકર ચૌધરીની ટીકા પણ થઈ રહી છે. ત્યારે બીજી તરફ સમગ્ર ઘટનાનો લૂલો બચાવ કરતાં સ્પષ્ટતા રૂપે ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે તેઓ શહેરના ડેપ્યુટી મેયર હોવાને કારણે કોઈપણ પ્રકારના નિયમમાં બાંધછોડ કર્યા વિના મેયર સહિત મ.ન.પા ના ફાયર વિભાગને જાણ કરવાની સાથે જરૂરી ચાર્જની ભરપાઈ પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જ્યારે ૧૮ થી ૨૦ રૂપિયામાં બજારમાં ૧ કિમી ઇનોવા કાર મળતી હોય છે ત્યારે મ.ન.પા ના ચોપડે સરકારી ભાવ ચાર થી પાંચ રૂપિયા ૦૧ કિ.મી. જેટલો હોવાને કારણે સરકારી રૂપિયા ઉપર સુધાકર ચૌધરી દ્વારા ગામમાં વટ પાડવાનો આ વીડિયો ચૌધરીના કોઈ જાણભેદુ અને હમ વતની દ્વારા ઉતારવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળેલ
છે. જે તેમના વતન થી સુરત સુધી વાયરલ થઈ રહ્યો હોઈ ચર્ચાનો વિષય બન્યો છે.




