ચેકિંગ પણ યથાવત્ રહેશે આઈસ્ક્રીમના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી અટકાવવા સુરત ફૂડ વિભાગની કવાયત દુકાનો અને ઉત્પાદન એકમોમાં ફરજિયાત માહિતી બોર્ડ લગાવાશે; આઈસ્ક્રીમ-ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત દર્શાવાશે આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં ન આવે તે માટે સુરતના ફૂડ વિભાગે કાર્યવાહી તેજ કરી છે.
ગ્રાહકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સરળતાથી સમજાય અને ખરીદી વખતે યોગ્ય પસંદગી કરી શકે તે માટે શહેરની દુકાનો તેમજ ઉત્પાદન એકમોમાં માહિતી દર્શાવતા બોર્ડ લગાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ઉત્પાદન એકમો અને વેચાણ કેન્દ્રો પર ચેકિંગ પણ ચાલુ રાખવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા આપવામાં આવનારી સૂચના મુજબ, આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંને અલગ પ્રકારની પ્રોડક્ટ છે. આઈસ્ક્રીમ દૂધની ચરબીના આધારે તૈયાર કરવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વેજિટેબલ ઓઈલ અને સ્કિમ્ડ મિલ્ક પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. આમ, બંનેની બનાવટમાં રહેલા તફાવત અંગે ગ્રાહકોને સ્પષ્ટ માહિતી મળે તે માટે દુકાનોમાં બોર્ડ લગાવવાનું આયોજન છે.
ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમનું ઉત્પાદન કરતી કંપનીઓ તેમજ તેનું વેચાણ કરતી દુકાનોને ગ્રાહકોની જાણ માટે સ્પષ્ટ માહિતી દર્શાવતા બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવશે. જેથી ગ્રાહકો કોઈ પ્રોડક્ટ ખરીદે ત્યારે તે ખરેખર આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ તેની જાણકારી મેળવી શકે. આ પગલાથી ગ્રાહકો સાથે થતી સંભવિત ગેરસમજ અને છેતરપિંડી અટકાવવામાં મદદ મળશે.
ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આઈસ્ક્રીમના ઉત્પાદન એકમો અને વેચાણ કેન્દ્રો પર તપાસ ચાલુ રાખવામાં આવશે. સંચાલકો દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન થાય છે કે નહીં, ગ્રાહકોને પ્રોડક્ટ અંગે યોગ્ય માહિતી આપવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. નિયમોનું પાલન ન કરતી સંસ્થાઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગની આ કામગીરીનો મુખ્ય હેતુ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાની સાથે ખાદ્યપદાર્થોના વેચાણમાં પારદર્શિતા લાવવાનો છે. ઘણી વખત ગ્રાહકો આઈસ્ક્રીમ સમજીને ફ્રોઝન ડેઝર્ટ ખરીદતા હોય છે, પરંતુ બંનેની બનાવટ અલગ હોય છે. હવે દુકાનોમાં સ્પષ્ટ માહિતી બોર્ડ લગાવવાથી ગ્રાહકોને પ્રોડક્ટ પસંદ કરવામાં સરળતા રહેશે અને ખાદ્યપદાર્થોના વેચાણમાં પારદર્શિતા જળવાશે.




