(છગનલાલ મેવાડા) સુરત
સ્વચ્છ સુરત, સુંદર સુરતના બણગાં ફૂંકતી સુરત મહાનગરપાલિકાની પોલ સુરત શહેર માં મંગળવારે કુદરતી આફતે ખોલી નાંખી તંત્રને નગ્ન કરી નાખ્યું હતું. આ આફતે શહેરને હચમચાવી દીધું હતું. આખું શહેર પાણીમાં ગરકાવ હતું ત્યારે સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ મહાનગરપાલિકાના હોલમાં સેવ ખમણ ને ઢોકળાની જયાફત ઉડાડી હસતા ચહેરે નવનિયુકતોને અભિનંદન આપતા હતા. ત્યારે બીજી બાજુ અનરાધાર વરસેલા વરસાદથી માનવીઓ જાનવર કરતાં બદતર હાલતથી મોતને ભેટી રહ્યા હતા.જ્યાં કોઈ કરંટ થી તો કોઈ ડૂબી જવાથી તો કોઈ ઝાડ પડવા જેવી ઘટનાઓને લઈને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હતા. કેટલી શરમજનક વાસ્તવિકતા કહેવાય કે શું જવાબદાર કાળા માથાનો માનવી આટલો નિષ્ઠુર બની રહ્યો છે?
આ વરસાદે સુરત નંબર-વન ના ગુણગાન ગાતા વહીવટીતંત્ર અને ડ્રેનેજ સિસ્ટમ સામે પણ કેટલાક સવાલો ઉભા કર્યા છે. જ્યારે ભારે વરસાદ આવે ત્યારે પાણીના નિકાલ માટે શહેરનું આયોજન મજબૂત હોવું જરૂરી છે. દેશ ૨૧ મી સદીમાં આવી ગયો છે ટેક્નોલોજી બદલાઈ પરંતુ સુરત શહેર પર આવતી આફત માટે કોઈ નક્કર આયોજન ના થતા કુદરતની આ અવિરત મહેર કયારેક તો કહેર પણ બની જતા શહેરીજનોને પાણી થી થતા કરોડોના નુકશાનનો ભોગ પણ બનવા સાથે જાન પણ ગુમાવવો પડતો હોય છે.
આ સાથે યાદ રાખવું જોઈએ કે ગયા વર્ષે પણ ખાડીપુરની સ્થિતિ સર્જાયા બાદ સમીક્ષા બેઠકો યોજાઈ હતી. અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે આયોજન,ચર્ચાઓ અને અનેક દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ એક વર્ષ પૂરું થયું છતાં એ બેઠકોના કોઈ પરિણામ આજે જોવા મળતા નથી. માત્ર બેઠકોકે સમીક્ષાથી કામ નહીં ચાલે નક્કર કામગીરી સાથે ટેક્નિકલ નિષ્ણાંતો અને એન્જિનિયરો ધ્વારા વૈજ્ઞાનિક સર્વે કરાવી ક્યાંથી પાણીનો નિકાલ થઈ શકે? ક્યાં પાણી ડાયવર્ટ કરી શકાય? અને ખાડીઓની ઊંડાઈ કેવી રીતે વધારી શકાય? એ અંગેનું તાત્કાલિક ધોરણે નક્કર આયોજન કરી ખાડીપૂર ની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા નિષ્ઠા અને પ્રામાણિકપણે શહેર હિતમાં પ્રયત્નો કરવા જોઈએ.
બીજો મહત્વનો મુદ્દો એ છે કે શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓ ઉપર ભ્રષ્ટ અધિકારીઓ, પદાધિકારીઓ અને ખંધા બિલ્ડરોની મિલીભગતમાં ઊભી થતી અને ઉભી કરાયેલી માર્કેટો અને ઇમારતોને કારણે ખાડીઓના પાણી ઉભરાઈને આજુબાજુની મજૂર વસાહતો સહિત ધંધા રોજગાર વાળાઓને જે રીતે વર્ષો વર્ષ લાખોની ઘરવખરી અને જાન-માલનું નુકસાન કરી રહ્યા છે. એ પણ તંત્રની ઘોર બેદરકારીનો નમુનો જ છે. આ વર્ષે માત્ર ચાર દિવસના ધોધમાર વરસાદમાં જે રીતે કરંટ લાગવાથી, ઝાડ પડવાથી કે પાણીમાં તણાઈ જવાથી જે મૃત્યુ થયા છે એનો આંકડો ૧૬ ઉપરાંત થાય છે. જે અકાળે માનવીને ભરખી ગયો છે. એથી એમ કહેવાય કે સને 2006 ના તાપીપુર બાદ પહેલીવાર એટલે કે બે દાયકા બાદ આખું સુરત વરસાદી પાણીમાં ગરકાવ થતા રસ્તાઓ પણ નદીમાં ફેરવાઈ ગયા હતા એમ કહેવું ખોટું તો નથી જ ઉપરાંત જે વિસ્તારોમાં પાણી આજ દિન સુધી ભરાતા ના હતા ત્યાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાતા ઘર, દુકાન, આંગણે ઉભેલા વાહનો પાણીમાં જાણે કે સ્નાન કરી રહ્યા હોય એટલા પાણીમાં ડૂબેલા હતા.
આ પૂરનું ચિંતાજનક પાસું એ હતું કે તાપી નદીના પૂરને બદલે માત્ર ભારે વરસાદ અને એનાથી થયેલો ખાડીનો ભરાવો એને લઈ ખાડીના ઉભરાયેલા પાણીને કારણે જ સુરતના મોટાભાગનો વિસ્તાર પૂરના સંકટમાં લપેટાઈ જતા શહેરીજનોને મૃત્યુની સાથે માલ નું નુકસાનનો ભોગ બનવાની કિંમત ચૂકવવી પડી છે.જે નઘરોળ તંત્રની આ શહેરને મળેલી નુકસાન રૂપી “ભેટ” છે.





