
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજના સંગઠનોના પ્રતિનિધિઓ, સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા દરેક સમાજના પ્રતિનિધિઓની એક મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 2 જુલાઈના રોજ ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે સવારે 11 કલાકે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા” આયોજન કરવામાં આવશે. આ “સામાજિક જનસમર્થન સભા”માં અંબાજીથી ઉમરગામ અને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદો સહિત તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ અને લોકોને સાથે રાખીને ઉપસ્થિત રહેશે. તારીખ 2 જુલાઈના રોજ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તમામ નવ લોકોને ન્યાય મળે એ માટે અવાજ ઉલંદ કરવામાં આવશે.

આ મીટીંગ બાદ આદિવાસી સમાજના યુવા નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી અનેક લોકોના સતત ફોન આવી રહ્યા છે કે નર્મદા જિલ્લામાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ક્યારે અને શું આયોજન થઈ રહ્યું છે? હું તમામ જનતા, સામાજિક આગેવાનો, રાજકીય નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવવા માંગું છું કે, આગામી તારીખ 02 જુલાઈ 2026, ગુરુવારના રોજ સવારે 11:00 વાગ્યે, ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. ચૈતરભાઈ વસાવા પર જે ખોટા કેસો અને ખોટી એફ.આઈ.આર. (FIR) કરવામાં આવી છે, તેમજ કોર્ટના ચુકાદા બાદ પ્રશાસન દ્વારા જે પ્રકારનું વલણ અપનાવવામાં આવ્યું છે, તેનાથી આજે સમગ્ર આદિવાસી સમાજ અને સર્વ સમાજમાં ભારે રોષ છે. આ અન્યાય સામે લડવા માટે લોકો આપમેળે ચૈતરભાઈના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. તેથી જ, તમામ સામાજિક આગેવાનો વતી હું આપ સૌને નમ્ર અપીલ કરું છું કે આગામી ગુરુવારે, બીજી તારીખે સવારે 11:00 વાગ્યે ડેડિયાપાડા ખાતે ખૂબ મોટી સંખ્યામાં પધારીને આ લડતને મજબૂત બનાવો.
ત્યારબાદ સામાજિક આગેવાન રાજુભાઈ વલવાઈએ જણાવ્યું હતું કે, આપણા લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ગુજરાતની ભાજપ સરકારે એક રાજકીય ષડયંત્ર હેઠળ કોર્ટ દ્વારા સાત વર્ષની સજા કરાવી છે. આ અન્યાયી નિર્ણયના પગલે સમગ્ર ગુજરાતનો સર્વ સમાજ ભારે આક્રોશમાં છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને ચૈતરભાઈને સામાજિક સમર્થન આપવા માટે ડેડિયાપાડા ખાતે એક ભવ્ય સામાજિક સમર્થન રેલી અને જનસભાનું આયોજન થઈ રહ્યું છે.સ્થાનિક સામાજિક કાર્યકરો દ્વારા આયોજિત આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે આજે હું અહીં ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને અમે આ લડતને અમારું પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. આગામી દિવસોમાં યોજાનારી આ રેલીની અંદર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત આખા આદિવાસી પટ્ટાના તમામ રાજકીય-સામાજિક નેતાઓ, યુવાનો, વડીલો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. આ ઐતિહાસિક અને સફળ રેલી ચૈતરભાઈ વસાવાને એક નૈતિક બળ પૂરું પાડશે અને આ જનઆક્રોશના માધ્યમથી ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે.

ત્યારબાદ સામાજિક આગેવાન ડો. દયારામ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ સતત અમને એવા સવાલો પૂછવામાં આવી રહ્યા હતા કે તમે નર્મદા જિલ્લામાં ક્યારે અને કયો સમર્થન કાર્યક્રમ કરવાના છો? આ તમામ પ્રશ્નો અને ચર્ચાઓના અંતે આજે બધા આગેવાનો અહીં ભેગા મળ્યા છે અને સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો છે કે આગામી તારીખ 02 જુલાઈ 2026, ગુરુવારના રોજ ડેડિયાપાડા ખાતે આવેલા પીઠા ગ્રાઉન્ડ પર એક વિશાળ સામાજિક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જનસભા ખાસ કરીને લોકનેતા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં રાખવામાં આવી છે. આ આયોજનની રૂપરેખા તૈયાર કરવા માટે ચારેય રાજ્યો, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સામાજિક અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહ્યા છે. ચૈતરભાઈ વસાવાને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કરવા માટે હું આપ સૌ નાગરિકો અને સામાજિક ભાઈઓને આ જનસભામાં મોટી સંખ્યામાં હાજર રહેવા હાર્દિક આહ્વાન કરું છું.
આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કર્યા બાદ સામાજિક આગેવાન બાબુભાઈ ડામોરે જણાવ્યું હતું કે, “ધારાસભ્ય ચૈતર વસાવા સહિત નવ લોકોને સાત વર્ષની સજા થઈ છે, જેનાથી સમગ્ર આદિવાસી સમાજ આજે દુઃખી છે. તમામ લોકોનો હવે એક જ સવાલ હતો કે નર્મદા જિલ્લામાં આ બાબતે ક્યારેય કાર્યક્રમ કરવાનો છે, તો આ પ્રોગ્રામના આયોજન મુદ્દે આજે સામાજિક આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને તમામ લોકોએ નક્કી કર્યું છે કે પક્ષા પક્ષી ભૂલીને 2 જુલાઈના રોજ ડેડીયાપાડા ખાતે “સામાજિક જનસમર્થન સભા” યોજાશે. તો આ કાર્યક્રમ માટે અમે ન્યાયના હિતમાં વિચારનાર તમામ લોકોને આમંત્રણ આપીએ છીએ.” ત્યારબાદ Ex-આર્મીમેન વિજયભાઈ તડવીએ જણાવ્યું હતું કે “ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા થઈ છે તેના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, તો ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના યુવાનો અને તમામ જન પ્રતિનિધિઓને અમારી અપીલ છે કે તેઓ આ કાર્યક્રમમાં વધારે અને ધારાસભ્ય ચૈતર વસાવાના ન્યાય માટે અવાજ ઉઠાવો”








