
કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આજરોજ “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત મહાનગર કાર્યશાળાનું આયોજન દિનેશ હોલ, આશ્રમરોડ ખાતે કરવામાં આવ્યું હતું.
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ ઈન્ચાર્જ તેમજ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા એ સૌને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ” આપણો ભારત દેશ સદીઓથી આત્મનિર્ભર જ હતો પરંતુ દેશને ગુલામ બનાવીને વિદેશી તાકાતો દ્વારા તેમના પર નિર્ભર બનાવવામાં આવ્યો હતો. આઝાદીની ચળવળ વખતે પણ વંદેમાતરમ ગીત પણ સ્વદેશી આંદોલનનો જ એક ભાગ હતું. ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી દ્વારા પણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા ‘સ્વદેશી’ અને ‘વિકેન્દ્રીકરણ’ પર ભાર મુકવામાં આવ્યો હતો. આવનાર દિવસોમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પરિકલ્પના મુજબ આ અભિયાન અવિરત ચાલતું રહેશે અને સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે. આજે ટેરર થી ટેરિફ સુધીની લડાઈમાં દેશને વિશ્વ ફલક પર મજબૂત બનાવવા માટે દેશને આત્મનિર્ભર બનાવવો જ એકમાત્ર વિકલ્પ છે. દેશનો નાગરિક ખરીદી કરતી વખતે સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખે તે માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આગામી દિવસોમાં લોકસંપર્ક કરી છેવાડાના લોકો સુધી પહોચે તે ખૂબ જરૂરી છે.”
પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સહ પ્રવક્તા અને આજના કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી હિતેન્દ્રભાઈ પટેલે વિવિધ કાર્યક્રમોની રુપરેખા આપતા જણાવ્યું હતું કે ” સમગ્ર દેશમાં ૧૫ સપ્ટેમ્બર એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મજયંતિ થી શરૂ કરીને ૧૫ ડિસેમ્બર એટલેકે સ્વ. અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી આ અભિયાન ચાલશે. તા. ૮ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી મહાનગર / જીલ્લા સ્તરે કાર્યશાળાનું આયોજન કરવામાં આવશે તેમજ વિવિધ જગ્યાએ વેપારીઓ / ઉદ્યોગપતિઓના સંમેલન યોજાશે. ૧૬ ઓક્ટોબર થી ૩૦ ઓક્ટોબર સુધી નાના વેપારીઓની મુલાકાત થશે તેમજ ૨૬ ઓક્ટોબર થી ૫ નવેમ્બર સુધી ઘરે ઘરે સ્ટીકર લગાવવામાં આવશે અને દિવાળી નિમિત્તે સ્નેહમિલન યોજાશે જેમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવડાવવામાં આવશે. દિવાળીના તહેવારો બાદ તા. ૧ નવેમ્બર થી ૩૦ નવેમ્બર સુધી શાળા / કોલેજોમાં, વિવિધ સંસ્થાઓમાં સ્વદેશી અપનાવો ઓનલાઇન ક્વિઝ, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા યોજાશે તેમજ વોલ પેઈન્ટીંગ, શેરી નાટકો, પ્રભાત ફેરી, પ્રદર્શની જેવા વિવિધ અભિયાન મારફતે જનજાગૃતિ લાવવામાં આવશે. તા. ૧ ડિસેમ્બર થી ૨૫ ડિસેમ્બર નાના વેપારીઓના સંમેલન યોજાશે, ગૃહિણીઓના સંમેલન યોજાશે તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ સમગ્ર ગુજરાતમાં ફેરવવામાં આવશે. આ પ્રકારે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગને જનઆંદોલન બનાવી દેશને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પીત થશે.”
મહાનગર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ” ભારત દેશનો સદીઓ પહેલા વિશ્વના વ્યાપાર પર દબદબો હતો પરંતુ આક્રાંતાઓ દ્વારા દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોચાડવામાં આવ્યું. અંગ્રેજો દ્વારા દેશને પરદેશીઓ પર નિર્ભર બનાવવાના પ્રયાસો થયા. આઝાદી બાદ સ્વદેશી અપનાવવાના નારાઓ ખૂબ લાગ્યા પરંતુ તેના માટે કોંગ્રેસની સરકાર દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં ન હતાં આવ્યા. ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની વાત ઈ.સ ૧૯૫૪ ના જનસંઘના અધિવેશનમાં પણ કરવામાં આવી હતી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા ૨૦૧૪ થી ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન જેવી આર્થિક નીતિઓથી આજે ભારત દેશ કર્જદાર માંથી કર્જદાતા બન્યો છે.”
મહાનગર ભાજપાના મંત્રી શ્રી હિરેનભાઇ જાદવ દ્વારા કાર્યશાળામાં ઉપસ્થિત સૌને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
આજની કાર્યશાળામાં મહાનગરના પ્રભારી શ્રી સંજયભાઈ પટેલ, અમદાવાદ પૂર્વનાં સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, મહાનગરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સૌ ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.




