
ચક્રવાત મોન્થાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે: ચક્રવાતને લઈ પીએમ મોદીએ સીએમ નાયડુ સાથે કરી વાત
મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી અને વાવાઝોડા વિશે પૂછપરછ કરી.
બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત મોન્થાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. IMD મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું (હાલની ગતિ ૯૦-૧૦૦ કિમી પ્રતિ કલાક) આગામી ૨૪ કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે, જે ૨૮ ઑક્ટોબરની સાંજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.
તેની અસરથી ચેન્નાઈમાં હળવા ઝાપટાં શરુ થઈ ગયા છે, જે ધીમે ધીમે તીવ્ર બની શકે છે.
IMD અનુસાર, મોન્થા ચક્રવાતી તોફાનને કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં ૨૭થી ૩૦ ઑક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવનાને કારણે ભારતીય સેના હાઇ ઍલર્ટ પર છે.
મોન્થા વાવાઝોડાંને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી અને વાવાઝોડા વિશે પૂછપરછ કરી હતી. માહિતી ટૅક્નોલૉજી મંત્રી નારા લોકેશને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે સંકલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં બનેલા મોન્થા વાવાઝોડાના કારણે તમિલનાડુના ચાર ઉત્તરીય દરિયાકાંઠાના જિલ્લા ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને રાનીપેટ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે, તેથી લોકોએ સાવચેત રહેવાની અને ઘરમાં રહેવાની જરૂર છે.
IMDએ અહેવાલ આપ્યો છે કે છેલ્લાં છ કલાકમાં વાવાઝોડું ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. સોમવારે સવારે, હવામાન નિષ્ણાતોએ આગાહી કરી હતી કે આગામી ૧૨ કલાકમાં વાવાઝોડું દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાંથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે, પછી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ વળશે. ૨૮ ઑક્ટોબરની સવાર સુધીમાં તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્યતા છે. ત્યારબાદ ૨૮ ઑક્ટોબરની સાંજે કે રાત્રે કાકીનાડા નજીક માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.




