રીલ્સ બનાવો અને ૩ લાખ મેળવો! બિહાર ટુરિઝમ વિભાગે ઈન્ફ્લુએન્સર માટે લોન્ચ કરી અનોખી સ્પર્ધા સ્પર્ધા માટે બનાવવામાં આવનાર વીડિયો અથવા રીલ્સનો સમયગાળો ૩૦ સેકન્ડથી લઈને ૨ મિનિટ વચ્ચેનો હોવો જાેઈએ બિહારના પ્રખ્યાત અને ઐતિહાસિક શ્રાવણી મેળાને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપવા માટે બિહાર ટુરિઝમ વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ વર્ષે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી મેળાની ભવ્યતાને લોકો સુધી પહોંચાડવા માટે દેશભરના સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે એક રાષ્ટ્રવ્યાપી વીડિયો મેકિંગ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે.આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કાવડિયા પરંપરા અને શ્રાવણી મેળાની આધ્યાત્મિક સુંદરતાને સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા પાયે લોકો સમક્ષ રજૂ કરવાનો છે. ટુરિઝમ સચિવ લોકેશ કુમાર સિંહે જણાવ્યું કે, આ કોમ્પિટિશનનું નામ ‘શ્રાવણી મેળા ૨૦૨૬: એન ઇન્ફ્લુએન્સર્સ પર્સ્પેક્ટિવ’ રાખવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રવાસન વિભાગ દ્વારા કેટલીક મહત્ત્વની શરતો પણ નક્કી કરવામાં આવી છે.આ રાષ્ટ્રવ્યાપી સ્પર્ધામાં માત્ર એવા જ ક્રિએટર્સ ભાગ લઈ શકશે જેમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કુલ મળીને ઓછામાં ઓછા ૨૫,૦૦૦ ફોલોઅર્સ હોય. આ ઉપરાંત, અરજી કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જાેઈએ અને તેની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી અનિવાર્ય છે.સ્પર્ધા માટે બનાવવામાં આવનાર વીડિયો અથવા રીલ્સનો સમયગાળો ૩૦ સેકન્ડથી લઈને ૨ મિનિટ વચ્ચેનો હોવો જાેઈએ. આ વીડિયો સંપૂર્ણપણે શ્રાવણી મેળા અને મુંગેર, બાંકા તથા ભાગલપુરથી પસાર થતા કાવડિયા રૂટ પર જ કેન્દ્રિત હોવો જરૂરી છે.આ વર્ષે શ્રાવણી મેળો ૩૦ જુલાઈથી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન યોજાશે. સ્પર્ધાના નિયમ મુજબ, તમામ સ્પર્ધકોએ મેળાની પહેલા સોમવાર (૩ ઓગસ્ટ, ૨૦૨૬) પછી આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવાનો રહેશે. ત્યારબાદ, બીજા સોમવારના બે દિવસની અંદર આ વીડિયોને પ્રવાસન વિભાગના સત્તાવાર પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. વીડિયો સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.





