
દિલ્હીના એક સાયબર ઠગની પોલીસે ધરપકડ કરી યુવતીના અશ્લીલ ફોટો બનાવીને બ્લેકમેલ કરતો દિલ્હીનો ધર્મગુરુ પકડાયો આરોપીના ફોનમાંથી ભોગ બનનાર યુવતીના નામના અલગ-અલગ ૮ થી ૧૦ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યા
યુવતીના ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી અને યુટ્યુબ ચેનલ બનાવી બિભત્સ ફોટા અપલોડ કરનાર આરોપી સુમિત શર્મા અમદાવાદ સાયબર ક્રાઈમના હાથે ઝડપાયો છે. ઇસ્કોન હરેકૃષ્ણ સંપ્રદાયમાં જાેડાયેલી યુવતીએ મિત્રતાની ના પાડતા આરોપીએ ઈન્ટરનેટના માધ્યમથી તેને બ્લેકમેલ કરી હતી. આરોપીએ ગુગલ પર AI Remove ClOhes સર્ચ કરી અલગ-અલગ વેબસાઇટ્સ દ્વારા યુવતીના ૧૦૦થી વધુ ન્યૂડ ફોટા-વીડિયો મોર્ફ કર્યા. દિલ્હીના ઉસ્માનપુરનો રહેવાસી આરોપી સુમિત શર્મા સોશિયલ મીડિયા પર ધાર્મિક ઉપદેશો આપવાના વીડિયો અપલોડ કરતો હતો. તપાસ દરમિયાન આરોપીના ફોનમાંથી ભોગ બનનાર યુવતીના નામના અલગ-અલગ ૮ થી ૧૦ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યા છે.
સોશિયલ મીડિયાના યુગમાં ભક્તિ અને ધર્મના નામે પણ કેવા ગંભીર ગુના આચરવામાં આવે છે. તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ અને ઈન્ફ્લુએન્સર તરીકે ઓળખ ધરાવતી એક યુવતી એક પંથ સાથે સંકળાયેલી છે. તે ધાર્મિક ઉપદેશ મેળવવા માટે ઈન્સ્ટાગ્રામ પર એક કથિત ગુરૂના સંપર્કમાં આવી હતી. આ વ્યક્તિ સુમિત શર્મા, સુમિત ભારદ્વાજ અને મેં કૃષ્ણદાસ જેવા અલગ-અલગ નામોથી એકાઉન્ટ ચલાવતો હતો. આ આરોપી યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો.
સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિન્હાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, શરૂઆતના થોડા મહિના ધાર્મિક વાતો કરીને મિત્રતા કેળવ્યા બાદ, જ્યારે આરોપીએ વધુ પડતો સંપર્ક વધારવાનો પ્રયત્ન કર્યો ત્યારે યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાંખ્યો. બસ આ જ વાતની અદાવત રાખીને આરોપી સુમિત શર્માએ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. યુવતીની પબ્લિક પ્રોફાઇલમાંથી ફોટા અને વીડિયો લઈને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટુલ્સની મદદથી તેના ન્યૂડ અને વાંધાજનક ફોટા તૈયાર કર્યા. આરોપીએ યુવતીના નામે ૧૦ થી વધુ ફેક એકાઉન્ટ્સ બનાવી આ ફોટા અપલોડ કર્યા અને એટલું જ નહીં, યુવતીના મમ્મી અને માસીના ફોટા પણ મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું.
છ મહિના સુધી ચાલેલી આ માનસિક હેરાનગતિથી કંટાળીને અંતે યુવતીએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો. પોલીસે તપાસ હાથ ધરીને ૨૭ વર્ષના આરોપી સુમિત શર્માની નવી દિલ્હીથી ધરપકડ કરી લીધી છે. માત્ર ૧૨ પાસ આ આરોપી ઉપનિષદ, ભગવદ્ ગીતા અને કુરાન જેવા ધાર્મિક ગ્રંથોના પ્રવચન આપવાના બહાને મહિલાઓને ટાર્ગેટ કરતો હતો.
ડીસીપી લવિના સિન્હાએ કહ્યું કે, હાલમાં પોલીસે આ સાયબર રોમિયોના તમામ ડિજિટલ પુરાવા એકત્રિત કરીને વધુ તપાસ હાથ ધરી છે. સાથે મિશન સાયબર રક્ષિકા અંતર્ગત પોલીસ મહિલાઓને સોશિયલ મીડિયા પર સુરક્ષિત રહેવા માટે જાગૃત પણ કરી રહી છ અને જાે કોઇ અજુગતું થયું હોય તો સાઇબર ક્રાઇમનો સંપર્ક કરવો જાેઈએ.





