
દરરોજ ૨૦ હજારથી વધુ ટેન્કરોની માગ ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે ઘટતા ભૂગર્ભ જળસ્તર અને ચોમાસાના વિલંબને કારણે હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે વધતા તાપમાન, ઘટતા ભૂગર્ભ જળસ્તર અને ચોમાસાના વિલંબને કારણે હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં અનિયમિત પાણી પુરવઠાને કારણે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ખાનગી અને સરકારી ટેન્કરો પર ર્નિભર રહેવા મજબૂર બન્યા છે. શહેરમાં પાણીના ટેન્કરોની દૈનિક માંગ વધીને ૨૦,૦૦૦ સુધી પહોંચી ગઈ છે. સંકટની ગંભીરતાને કારણે ટેન્કરોની માગમાં મોટો વધારો નોંધાયો છે. મે મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન દૈનિક બુકિંગ ૧૫,૦૦૦ને પાર પહોંચી ગયું હતું, જે હૈદરાબાદ મેટ્રોપોલિટન વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (HMWS&SB) દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અંદાજ કરતાં ઘણું વધારે છે.
તેમણે કહ્યું કે, સામાન્ય રીતે જાન્યુઆરી મહિનાથી ટેન્કરોનું બુકિંગ વધવા લાગતું હોય છે. અગાઉ અમને સમગ્ર હૈદરાબાદમાં પ્રતિદિન અંદાજે ૧,૫૦૦થી ૨,૦૦૦ ટેન્કરોના બુકિંગ મળતા હતા. જાેકે, આ વર્ષે ભૂગર્ભ જળસ્તર ઘટવાને કારણે અને પાછલા ચાર-પાંચ વર્ષોમાં ક્યારેય ન સૂકાયા હોય તેવા અનેક બોરવેલ પણ સૂકાઈ જવાને લીધે માગમાં મોટો ઉછાળો આવ્યો છે.
ઉનાળાની ઋતુમાં સર્જાતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વોટર બોર્ડે પ્રતિદિન અંદાજે ૧૩,૦૦૦ ટેન્કરો દ્વારા પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે પોતાના માળખાકીય સંચાલનનો વિસ્તાર કર્યો હતો. જાેકે, પાણીની માગ અપેક્ષા કરતાં ઘણી વધારે હતી, જેના કારણે અધિકારીઓને ત્રણ શિફ્ટમાં સેવાઓ ચલાવવા માટે મજબૂર થવું પડ્યું.
અધિકારીઓએ કહ્યું કે, ૨૪ કલાકની અંદર ટેન્કરો દ્વારા પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાેકે, પાણી પહોંચાડવામાં વિલંબ થતો હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે, ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારોમાં જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ગંભીર છે.
કેટલાક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા દર ચારથી પાંચ દિવસે માત્ર એક જ વાર પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જેના કારણે પરિવારોને રોજિંદા વપરાશ માટે પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા માટે મજબૂર થવું પડે છે.
હૈદરાબાદના મુશીરાબાદના એક નિવાસીએ કહ્યું કે, પાણીનો પુરવઠો ઘટીને દર ચારથી પાંચ દિવસે માત્ર એક જ વાર થઈ ગયો છે. ટેન્કર બુક કરાવ્યા પછી પણ તે સમયસર ઉપલબ્ધ થતા નથી. અમને રોજિંદી ઘરેલું જરૂરિયાતો પૂરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાણીની ક્વોલિટીને લઈને પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રસૂલપુરાના એક નિવાસીએ આરોપ લગાવ્યો કે, પાણીની અછતની સાથે-સાથે નળમાં ગંદુ પાણી આવી રહ્યું છે. વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. લોકો પીવાના પાણીની તંગીની સાથે-સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને લઈને પણ ચિંતિત છે.
આ વણસી રહેલી સ્થિતિ વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. તેલંગાણા ભાજપના અધ્યક્ષ રામચંદ્ર રાવે કોંગ્રેસ સરકાર પર આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો છે.
ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના કાર્યકારી અધ્યક્ષ કે. ટી. રામારાવે પણ જળ સંકટ મુદ્દે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો હતો કે, અગાઉની બીઆરએસ સરકારના શાસન દરમિયાન હૈદરાબાદમાં પાણી કે વીજળીની કોઈ અછત નહોતી.





