Arvind Kejriwal:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. CM કેજરીવાલની જામીન અરજી પર આજે બુધવાર, 14 ઓગસ્ટે સુનાવણી કરતી વખતે, SCએ તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હીના સીએમ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં હાજર રહીને સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન માટે વિનંતી કરી હતી. જેના જવાબમાં કોર્ટે કહ્યું કે અમે કોઈને વચગાળાના જામીન આપી શકીએ નહીં. તમને જણાવી દઈએ કે દારૂ નીતિ કેસમાં જ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને લગભગ 17 મહિના પછી જામીન મળી ગયા છે.
‘અમે કોઈ વચગાળાના જામીન આપી રહ્યાં નથી’- સુપ્રીમ કોર્ટ
અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા તેમની સામે નોંધાયેલા કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે સીબીઆઈને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં ત્રણ વખત વચગાળાના જામીન મળ્યા છે. તેમને 10 મે અને 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. કોર્ટે કહ્યું છે કે આ કેસની આગામી સુનાવણી 23 ઓગસ્ટે થશે.
આગામી સુનાવણી 23મી ઓગસ્ટે થશે
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. સીબીઆઈએ ED કેસમાં વચગાળાના જામીન પહેલા કેજરીવાલની ધરપકડ કરી હતી, તેથી તેઓ હજુ પણ જેલમાં છે. તેઓ માત્ર વચગાળાના જામીન ઈચ્છે છે. તેના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું, ‘અમે કોઈ પણ પ્રકારના વચગાળાના જામીન નથી આપી રહ્યા.’