દિલ્હીના જંતર-મંતર ખાતેથી શરૂ થયેલી સંસદ કૂચમાં આજે બીજા દિવસે પણ ભાગ લેવા પહોંચેલા આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ સ્થળ પરથી વીડિયોમાં સંબોધતા જણાવ્યું હતું કે, ‘કોકરોચ જનતા પાર્ટી’ અને ‘GenZ’ (નવી પેઢીના) યુવાનોનું આંદોલન આજે બીજા દિવસે પણ સતત ચાલુ છે. સરકાર દ્વારા આ વિરોધ પ્રદર્શનને દબાવવા માટે જંતર-મંતર પર પોલીસ અને આર્મીનો ખૂબ મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. જો આટલી જ કડક સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત નીટ પરીક્ષા વખતે ગોઠવવામાં આવ્યો હોત, તો દેશના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયું ન હોત. આજે દેશનો યુવા વર્ગ સંપૂર્ણપણે જાગૃત થઈ ગયો છે અને કોઈપણ રાજકીય સ્વાર્થ વગર સ્વયંભૂ દિલ્હી પહોંચીને શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટમાં ભાગ લઈ રહ્યો છે.
ધાર્મિક માથુકિયાએ ગુજરાતના યુવાનો અને જનતાને વિશેષ અપીલ કરતા કહ્યું હતું કે, આપણા રાજ્યમાં ૨૫ થી વધુ સરકારી ભરતીઓના પેપર ફૂટવા છતાં આપણે હજુ સુધી જોઈએ તેટલા જાગૃત થયા નથી. પરંતુ હવે સમય આવી ગયો છે કે દિલ્હીના યુવાનોમાંથી પ્રેરણા લઈને ગુજરાતની અંદર પણ આ પ્રકારનું મજબૂત આંદોલન શરૂ કરવામાં આવે. ગુજરાતનો યુવાન પણ હવે પોતાના હક માટે જાગી ગયો છે અને સત્તાધીશો સામે અવાજ ઉઠાવવા તૈયાર છે. આપણી સ્પષ્ટ માંગણી છે કે નીટ પેપર લીકની નિષ્ફળતા સ્વીકારીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે અને સોનમ વાંગચુક સહિત તમામ આંદોલનકારીઓની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવે.





