આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાજ્યના એક જિલ્લા અને શહેરનું નામ બદલી નાખ્યું છે. સરકારે કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ જિલ્લા અને કરીમગંજ શહેરનું નામ બદલીને શ્રીભૂમિ ટાઉન કર્યું. સરકારે ગુરુવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
આસામ સરકારે કરીમગંજ જિલ્લો અને કરીમગંજ નગરને અનુક્રમે શ્રીભૂમિ જિલ્લો અને શ્રીભૂમિ ટાઉન તરીકે નામકરણ કરતી સત્તાવાર સૂચના બહાર પાડી છે. રવીન્દ્રનાથ ટાગોરે 100 વર્ષ પહેલાં કરીમગંજ જિલ્લાને શ્રીભૂમિ એટલે કે માતા લક્ષ્મીની ભૂમિ ગણાવી હતી. આ જિલ્લાનું નામ બદલવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી.
આસામ કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય
19 નવેમ્બરે આસામ કેબિનેટની બેઠકમાં કરીમગંજ જિલ્લાનું નામ બદલવા પર ચર્ચા થઈ હતી. આ પછી બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોરે આસામના આધુનિક કરીમગંજ જિલ્લાને ‘શ્રી ભૂમિ’ – માતા લક્ષ્મીની ભૂમિ તરીકે વર્ણવ્યું હતું.
સપ્ટેમ્બરમાં પોર્ટ બ્લેરનું નામ બદલવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે આ પહેલા સપ્ટેમ્બરમાં કેન્દ્રની મોદી સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓના પોર્ટ બ્લેરનું નામ બદલી નાખ્યું હતું. પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજયપુરમ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.