Tamilnadu Blast : તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 5 મહિલાઓ સહિત 8 મજૂરોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, વિરુધુનગરના શિવકાશીના સેંગમાલાપટ્ટીમાં ફટાકડાની ફેક્ટરી છે. આ જ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળેથી લગભગ એક કિલોમીટર દૂર ધુમાડાના વાદળો અને જોરદાર ધડાકા સંભળાયા હતા.
પોલીસે જણાવ્યું કે શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 5 મહિલાઓ સહિત 8 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. પોલીસ અને ફાયર કર્મીઓ ઘાયલોને શિવાકાશીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોમાંથી એકની હાલત ખૂબ જ ગંભીર છે. હાલ આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે વિરુધુનગર જિલ્લાના શિવકાશી નજીક સેંગમાલાપટ્ટીમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં લગભગ 10 મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે બપોરે વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટ એટલો ભયંકર હતો કે કોઈને બચવાની તક પણ મળી ન હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિસ્ફોટથી ફટાકડાની ફેક્ટરીના 7 રૂમ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને બચાવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તમિલનાડુના શિવકાશી નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે ઘણા લોકોના જીવ ગુમાવવાના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.