
૧ એપ્રિલથી ટોલ નાકા પર રોકડા રૂપિયા નહીં ચાલે.વાહન ચાલકોએ FASTag અને UPI થી જ ભરવો પડશે ટેક્સ.કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે કહ્યું કે, ભારત ઝડપથી ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે.દેશના હાઇવે પર મુસાફરીની રીત બદલાઈ રહી છે. હાઈવે પર મુસાફરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાની દિશામાં સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. ૧ એપ્રિલથી દેશના તમામ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર ટોલ પ્લાઝા પર રોકડા રૂપિયા સ્વીકારવામાં આવશે નહીં. હવે ટોલ ટેક્સ માત્ર FASTag અથવા UPI દ્વારા જ ચૂકવી શકાશે. સરકારનું માનવું છે કે આ ર્નિણયથી મુસાફરી સરળ બનશે, સાથે જ સમય, ઇંધણ અને પૈસાની પણ બચત થશે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે કહ્યું કે, ભારત ઝડપથી ડિજિટલ અર્થતંત્ર (ડિજિટલ ઈકોનોમી) તરફ આગળ વધી રહ્યું છે. પહેલાંUPI દ્વારા ટોલ ટેક્સ ભરવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી. હવે સરકારે ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લીધો છે. ૧ એપ્રિલ પછી ટોલ પ્લાઝા પર માત્ર FASTag અથવા UPI જ માન્ય રહેશે.
હવે નહીં થાય રોકડમાં લેવડ-દેવડ – આ ર્નિણય પછી દેશભરના ટોલ પ્લાઝા પર રોકડમાં લેવડ-દેવડ સંપૂર્ણપણે બંધ થઈ જશે. આનાથી મેન્યુઅલ વસૂલીને કારણે લાગતી લાંબી લાઈનોથી રાહત મળશે. સરકારનું કહેવું છે કે, કેશલેસ ટોલિંગથી સિસ્ટમ વધુ ઝડપી, પારદર્શક અને વિશ્વસનીય બનશે. હજુ પણ ઘણા લોકો FASTag હોવા છતાં રોકડનો ઉપયોગ કરતા હતા, જેનાથી ખાસ કરીને તહેવારો અને પીક અવર્સમાં જામની સ્થિતિ ઊભી થતી હતી.
ફ્યૂલ અને ટાઈમ બચશે – ટોલ પ્લાઝા પર વારંવાર ઉભા રહેવાથી વાહનોનું ઇંધણ વધુ ખર્ચાય છે અને ડ્રાઇવરોને પણ થાક લાગે છે. વી. ઉમાશંકરના જણાવ્યા અનુસાર, દર વખતે રોકાઈને પછી ગાડી ચલાવવામાં સમય અને ડીઝલ બંનેનો વ્યય થાય છે. લાંબા અંતરની મુસાફરીમાં આ નુકસાન વધુ વધે છે. કેશલેસ સિસ્ટમથી આ સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ જશે.
બેરિયર-ફ્રી ટોલિંગની તૈયારી – કેશલેસ ટોલનો આ ર્નિણય ભવિષ્યની એક મોટી યોજનાની તૈયારી તરીકે પણ જાેવામાં આવી રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં મલ્ટી લેન ફ્રી ફ્લો એટલે કે MLFF ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ સિસ્ટમમાં ટોલ પ્લાઝા પર કોઈ બેરિયર નહીં હોય અને વાહનો ઉભા રહ્યા વગર હાઇવે પર ઝડપથી નીકળી શકશે. ટોલ ટેક્સ આપમેળે FASTag અને વ્હીકલ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ દ્વારા કપાઈ જશે.
૨૫ ટોલ પ્લાઝા પર પાયલટ પ્રોજેક્ટ – સરકારે MLFF સિસ્ટમના પાયલટ પ્રોજેક્ટ માટે દેશભરમાં ૨૫ ટોલ પ્લાઝા નક્કી કર્યા છે. અહીં આ નવી ટેકનોલોજી લાગુ કરતા પહેલાં નિયમો અને મુસાફરોના અનુભવોની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ આ સિસ્ટમને આખા દેશમાં લાગુ કરવાની યોજના છે. આનાથી જામ ખતમ થશે, મુસાફરીનો સમય ઘટશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
સરકારે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ૧ એપ્રિલ પહેલાં પોતાનું FASTag એક્ટિવ રાખે અને તેમાં પૂરતું બેલેન્સ રાખે, અથવા UPI ચૂકવણી માટે તૈયાર રહે. કેશલેસ ટોલિંગ અને બેરિયર-ફ્રી હાઇવેનું આ પગલું ભારતની સડક મુસાફરીને સંપૂર્ણપણે બદલી નાખનારું છે. આવનારા સમયમાં ટોલ પ્લાઝા પર કોઈ પ્રકારનો જામ નહીં લાગે અને સફર વધુ સારી તથા સરળ બનશે.




