કોમનવેલ્થમાં બનાવ્યો મહારેકોર્ડ નીરજ ચોપડાને ગોલ્ડ મેડલ ન મળ્યો છતાં રચ્યો ઇતિહાસ નીરજ ચોપડાએ ૨ મેડલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય જેવલિન થ્રોઅર્સે મેદાન પર અદભુત પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. ગ્લાસગોમાં રમાઈ રહેલી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં પ્રતિકૂળ અને પડકારજનક હવામાન વચ્ચે પણ ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
ગોલ્ડ મેડલ ભલે ચૂકી ગયા હોય, પરંતુ આ સિલ્વર મેડલની સાથે જ નીરજ ચોપડાએ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં એક મોટો અને અભૂતપૂર્વ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે. તે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જેવલિન થ્રો સ્પર્ધામાં ભારત તરફથી ૨ મેડલ જીતનારા સૌપ્રથમ એથ્લેટ બની ગયા છે. આ ઐતિહાસિક ક્ષણે ભારત માટે બેવડી ખુશી એ રહી કે ભારતના જ યુવા ખેલાડી યશવીર સિંહે પણ શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પર કબજાે જમાવ્યો છે.
૨૮ વર્ષીય નીરજ ચોપડાએ ફાઇનલ મુકાબલામાં શાનદાર શરૂઆત કરી હતી. તેણે પોતાના બીજા પ્રયાસમાં ૮૫.૮૩ મીટરનો ભાલો ફેંકીને પોતાની આ સિઝનનું સવર્શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું અને સ્પર્ધામાં શરૂઆતી લીડ મેળવી લીધી હતી. જાેકે, શ્રીલંકાના સ્ટાર ખેલાડી રૂમેશ થારંગા પાથિરાગેએ પોતાના બીજા જ પ્રયાસમાં ૮૯.૭૫ મીટરનો વિસ્ફોટક અને અદભુત થ્રો કરીને ગોલ્ડ મેડલ પર પોતાનો કબજાે જમાવી દીધો હતો. નીરજે છેલ્લે સુધી ટક્કર આપી પરંતુ બાકીના પ્રયાસોમાં લય ન પકડાતા તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
આ ઐતિહાસિક ક્ષણ ભારત માટે એટલા માટે પણ ખાસ રહી કારણ કે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ વખત જેવલિન થ્રોના પોડિયમ પર એક સાથે બે ભારતીય ખેલાડીઓ જાેવા મળ્યા હતા. પ્રથમ વખત આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી રહેલા ભારતના યુવા ખેલાડી યશવીર સિંહે અદ્ભુત રમત બતાવી હતી. તેણે પોતાના અંતિમ પ્રયાસમાં ૮૫.૪૧ મીટરનો પોતાનો સવર્શ્રેષ્ઠ થ્રો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો અને આખા દેશને ચોંકાવી દીધો હતો. સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ત્રીજા ભારતીય એથ્લેટ રોહિત યાદવ ૭મા સ્થાને રહ્યો હતો.
બીજી તરફ, આ મેચમાં મોટો ઉલટફેર પણ જાેવા મળ્યો હતો. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનનો સ્ટાર એથ્લેટ અર્ષદ નદીમ આ ફાઇનલ રેસમાં સદંતર ફ્લોપ સાબિત થયો હતો. નદીમ શરૂઆતના ત્રણ રાઉન્ડ બાદ જ સ્પર્ધામાંથી બહાર થઈ ગયો હતો અને એકંદરે ૯મું સ્થાન મેળવી શક્યો હતો, જે રમત જગત માટે મોટો આંચકો માનવામાં આવે છે.





