CBI Action: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ કરવામાં આવી રહેલા સોનાની દાણચોરીના કેસમાં વોન્ટેડ અને ઇન્ટરપોલની રેડ નોટિસનો સામનો કરી રહેલા આરોપીને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સંકલિત ઓપરેશનમાં સાઉદી અરેબિયાથી તેના વતન પરત લાવવામાં આવ્યો છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી.
સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું કે તપાસ એજન્સીના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટરે શૌકત અલીના સાઉદી અરેબિયાથી મુંબઈ પરત ફરવા માટે ઈન્ટરપોલ દ્વારા નેશનલ સેન્ટ્રલ બ્યુરો-રિયાધ સાથે સંકલન કર્યું છે. અલીને બુધવારે રાત્રે પરત લાવવામાં આવ્યો હતો.
NIA આ મામલે તપાસ કરી રહી છે
રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરી કરાયેલા સોનાના બાર જપ્ત કરવા સંબંધિત 2020માં નોંધાયેલા કેસમાં અલી વોન્ટેડ હતો. NIA આ મામલે તપાસ કરી રહી છે. અધિકારીએ કહ્યું, “તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે આરોપી શૌકત અલીએ સહ-આરોપીઓ સાથે મળીને સાઉદી અરેબિયાથી ભારતમાં સોનાની દાણચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું.”
UAPA હેઠળ કેસ નોંધાયો
તેમણે કહ્યું કે અલી વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની કડક જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તે સાઉદી અરેબિયામાં હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ ઇન્ટરપોલ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો.
વર્ષ 2021માં રેડ નોટિસ જારી કરવામાં આવી હતી
પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીબીઆઈ 13 સપ્ટેમ્બર, 2021 ના રોજ ઈન્ટરપોલ જનરલ સચિવાલય દ્વારા તેમની વિરુદ્ધ જારી કરવામાં આવેલી રેડ નોટિસ મેળવવામાં સફળ થઈ. ઈન્ટરપોલના તમામ સભ્ય દેશોને આરોપીઓને શોધીને તેની ધરપકડ કરવા માટે રેડ નોટિસ મોકલવામાં આવી હતી.