રાજધાનીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક ઘરમાં સિલિન્ડર વિસ્ફોટ થયો, જેના કારણે ઘરનો એક ભાગ તૂટી પડ્યો, પરિણામે એક મહિલાનું મૃત્યુ થયું, જ્યારે બીજી મહિલા ગંભીર રીતે દાઝી ગઈ. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
આ ઘટના દિલ્હીના કૃષ્ણ વિહાર સ્થિત આરડી પબ્લિક સ્કૂલ પાસે બ્લોક-ક્યુમાં બની હતી. શનિવારે એક ઘરમાં LPG સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઘરના પહેલા માળનો અડધો ભાગ પડી ગયો હતો અને આગ લાગી હતી. રજની નામની 24 વર્ષીય મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક મહિલા આગને કારણે દાઝી ગઈ હતી.
ઘરમાં LPG સિલિન્ડર ફાટ્યો
દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે સિલિન્ડર બ્લાસ્ટની માહિતી મળી હતી. જેના આધારે ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. LPG સિલિન્ડર ફાટ્યું. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો અને દાઝી ગયેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે.
પોલીસ કેસની તપાસ કરી રહી છે
સ્થાનિક પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ ઘટના સ્થળે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ એ પણ શોધી રહી છે કે અન્ય કોઈ લોકો કાટમાળ નીચે દટાયા છે કે કેમ.