
પાક.ની ISIS મોડ્યૂલથી હુમલાની ફિરાકમાં દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા. ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી ભારતીય યુવકોનું બ્રેઇનવોશ કરી કટ્ટરવાદી બનાવવાની જાળ.
દિલ્હી પોલીસે દિવાળીની ઉજવણી વચ્ચે આતંકી સંગઠન આઇએસના મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે અને બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દિલ્હીના સાદિક નગર અને ભોપાલમાં ઓપરેશન દરમિયાન આ બન્ને આરોપીઓ ઝડપાયા હતા. સોશિયલ મીડિયા માધ્યમથી આરોપીઓ ભારતીય યુવકોમાં કટ્ટરવાદ પણ ફેલાવી રહ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બન્ને આરોપીઓ આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલા છે. અને દિલ્હીમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા. બન્ને આરોપીઓની પાસેથી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને શંકાસ્પદ દસ્તાવેજો સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
આતંકીઓની જાળ ક્યાં સુધી ફેલાયેલી છે તેની હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. એવા પણ અહેવાલો છે કે આ બન્ને શંકાસ્પદોની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. એક શંકાસ્પદ આરોપીનું નામ અદનાનમ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
એક વરીષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના સંપર્કમાં પણ હોઇ શકે છે. ઇસ્લામિક સ્ટેટ ISISની મદદથી પાક.ની જાસૂસી સંસ્થા આ પ્રકારનું નેટવર્ક ઓપરેટ કરતી હોય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ હાલ પણ આ મામલે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર સક્રિય હતા, સાવત-અલ-ઉમ્માહ નામનું ઇન્સ્ટાગ્રામ ગ્રુપ બનાવ્યું હતું. જેના દ્વારા યુવકોને વધુમાં વધુ કટ્ટરવાદી બનાવવામાં આવી રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામના આ ગ્રુપના તાર સીરિયા સાથે જોડાયેલા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી ઇન્સ્ટાગ્રામ ગ્રુપ જેહાદીઓનો અડ્ડો બની ગયો હતો.




