(નીડર,નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતમાં લોકશાહી છે અને લોકશાહીમાં પત્રકારોનું કામ સરકાર પર સવાલ ઉઠાવવાનું, નીતિઓની સમીક્ષા કરવાનું અને જનતા સુધી હકીકતો પહોંચાડવાનું છે. જો પત્રકારોને રાજકીય વિરોધીઓ અથવા દુશ્મનો તરીકે દર્શાવવામાં આવે છે, તો તે મીડિયા સ્વતંત્રતાને નબળી પાડશે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ભાજપના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સરકારી પ્રશ્નકર્તાઓ અને વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈને "દિમાગી નક્સલ" કહીને નિશાન બનાવવાની નિંદા કરી છે.
વધુમાં ગિલ્ડે જણાવ્યું હતું કે, પત્રકાર સરકાર પર પ્રશ્ન ઉઠાવે છે અથવા તેની નીતિઓનું વિશ્લેષણ કરે છે તેના કારણે તેને જાહેરમાં બદનામ કરવાની આ પ્રવૃત્તિ લોકશાહી મૂલ્યો અને પ્રેસ સ્વતંત્રતાની વિરુદ્ધ છે. એડિટર્સ ગિલ્ડનું આ કડક નિવેદન ભાજપ દ્વારા સરકાર પર પ્રશ્ન કરનારાઓને "દિમાગી નક્સલ" ગણાવતો એક વિડીયો બહાર પાડ્યા બાદ આવ્યું છે. ગિલ્ડે કહ્યું કે સૌથી ગંભીર બાબત એ છે કે, આ હુમલો કોઈ અજાણ્યા જૂથ અથવા સોશિયલ મીડિયા ટ્રોલ દ્વારા કરવામાં આવ્યો નથી, પરંતુ શાસક પક્ષના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવ્યો છે.
ભાજપ સરકાર ટીકાકારો, બૌધ્ધિકો અને વિપક્ષી નેતાઓને નવા રાજકીય લેબલ આપીને તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર તેના ટીકાકારોને પ્રશ્નોના જવાબ આપવાને બદલે, તેમને અન્ય નામ આપીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. એડિટર્સ ગિલ્ડે જણાવ્યું હતું કે, મીડિયા માટે મુક્ત રીતે કામ કરવા માટે સતત અખબારોમાં પણ સંકોચાતી જગ્યાને કારણે ભારત રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ 2026 વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 180 દેશોમાંથી 157 માં સ્થાને સરકી ગયું છે. લોકશાહીમાં, સરકારની ટીકા, પ્રશ્નો ઉઠાવવા અને સ્વતંત્ર પત્રકારત્વ લોકશાહી પ્રક્રિયાના કુદરતી ભાગો છે. આને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડવું યોગ્ય નથી.





