
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર કરેલા હુમલાઓ, અત્યાચારો સામે "અમારે શું" "અમારે શું" વાળી નીતિ અપનાવીને મૌન બેઠા હતા. તેઓ પણ હવે આ યુધ્ધની સાઈડ ઇફેક્ટ ના સપાટા માં આવી ગયા છે. જો અન્યાય સામે તમે અવાજ નહીં ઉઠાવો તો આ અન્યાય ની અગનજવાળા ઓ તમને પણ કઈ રીતે દઝાડે છે એનું જીવતું જાગતું ઉદાહરણ વિશ્વની વર્તમાન સ્થિતિ છે.
દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાન દ્વારા નાકાબંધી કરવાથી વિશ્વભરના ઘણા દેશોમાં તેલનો પુરવઠો બંધ થઈ ગયો છે. અને ખાસ કરીને ભારતમાં અનુભવાઈ રહેલ તેલ અને ગેસ કટોકટી ઘણા સ્તરે ચિંતાજનક છે. જોકે સરકારે જણાવ્યું છે કે દેશમાં પૂરતો વ્યૂહાત્મક અને વ્યાપારી ભંડાર છે. અને ઘરો અને વાહનો માટે પુરવઠામાં કોઈ ઘટાડો થયો નથી. સરકારે ગ્રાહકોને શાંતિ જાળવવા અને બિનજરૂરી સંગ્રહખોરી ટાળવા અપીલ કરી છે. પણ તકલીફ એ છે કે જ્યારે સરકાર દાવો કરી રહી છે કે ઈંધણ પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય અને સલામત છે. ત્યારે દેશના ઘણા ભાગો માંથી રસોઈ ગેસ અંગે ગભરાટના અહેવાલો આવી રહ્યા છે.
અહીં પ્રશ્ન એ છે કે જ્યારે સરકાર બધું બરાબર છે તેવી ખાતરી આપી રહી છે અને સંગ્રહખોરી ના કરવાની સલાહ આપી રહી છે ત્યારે લોકોમાં રસોઈ ગેસ ની અછતનો ભય કેવી રીતે ફેલાયો? અને ખરેખર અછત કેમ અનુભવાઈ રહી છે? વાસ્તવમાં જ્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ને અવરોધિત કર્યો જેનાથી તેલ અને ગેસ પુરવઠા પર અસર પડી ત્યારે સરકારે તરત જ રાંધણ ગેસ સિલિન્ડર ના ભાવમાં વધારો તો કરી જ દીધો . સાથો સાથ ૨૫ દિવસ પછી નવો સિલિન્ડર મેળવવાની શરત પણ લાદી. કદાચ આજ કારણ છે કે લોકોને લાગ્યું કે રસોઈ ગેસની અસર તોળાઈ રહી છે.
હાલમાં પુરવઠા ખાતા દ્વારા રાંધણ ગેસના થતા કાળાબજાર રોકવા માટે ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાંધણ ગેસના બાટલાઓની સાથે સાથે કોમર્શિયલ બાટલાઓની અછત સર્જાતા ઘણી રેસ્ટોરન્ટ બંધ થવાને આરે છે. અને એની ઉપર નભતા ડિલિવરી મેનોની હાલત કફોડી થવા પામી છે.
ત્યારે આપણે સૌ સાથે મળી રાષ્ટ્ર ના હિતમાં પણ અફવાઓથી દૂર રહી લોકોમાં ફેલાતા ગભરાટનો ભાગ ના બનીએ એ જ ઇચ્છનીય છે.




