
CM યોગીની ચેતવણી રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી સંતોએ શ્રીરામ જન્મભૂમિ આંદોલનને પોતાના જીવન-મરણનો પ્રશ્ન બનાવ્યો હતો, કારણ કે રામ આપણા આદર્શ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રભુ શ્રીરામની આલોચના કરનારાઓ અને દેશવિરોધી તત્વો પર આકરા પ્રહારો કર્યા છે. લખનૌમાં આયોજિત ૯ દિવસીય રામકથા મહોત્સવના સમાપન સમારોહમાં રામભક્તોને સંબોધિત કરતા સીએમ યોગીએ બેતૂક શબ્દોમાં કહ્યું કે, જેમના મનમાં ભારત પ્રત્યે આસ્થા અને નિષ્ઠા નથી, તેઓ માટે ભારતની ધરતી ધર્મશાળા હોઈ શકે નહીં. પ્રભુ શ્રીરામ સાથે દ્રોહ કરનારાઓને આ ધરતી પર જગ્યા નથી.
પોતાના સંબોધનમાં સીએમ યોગીએ ‘લવ જિહાદ’ અને ‘લેન્ડ જિહાદ’ ના જાેખમો સામે સમાજને જાગૃત કરતા જણાવ્યું કે, આ પ્રકારની નકારાત્મક પ્રવૃત્તિઓ વિરુદ્ધ દેશના નાગરિકોએ એકજૂથ થઈને ઊભા રહેવું પડશે. તેમણે ઉમેર્યું કે, દેશને તોડનારી તાકાતો જ્ઞાતિ, ભાષા અને પ્રદેશના નામે સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરશે, પરંતુ ભારતના સંતોની શક્તિ સમાજને એક તાંતણે બાંધીને દેશને આગળ લઈ જવા માંગે છે.મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, પૂર્વાગ્રહથી ગ્રસિત કેટલાક નકારાત્મક નામોને બાદ કરતાં, જેમનામાં પણ ભારતનું ડીએનએ (DNA) છે તે તમામ લોકોએ ભગવાન રામના આદર્શોને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યા છે. મર્યાદા પુરુષોત્તમનું નામ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના દરેક ભારતીયને જાેડવાની ક્ષમતા ધરાવે છે. સંતોએ શ્રીરામ જન્મભૂમિ આંદોલનને પોતાના જીવન-મરણનો પ્રશ્ન બનાવ્યો હતો, કારણ કે રામ આપણા આદર્શ છે અને રામનામમાં જ દરેક સમસ્યાનું સમાધાન છે.સુપ્રીમ કોર્ટના વર્ષ ૨૦૧૯ ના ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરતા સીએમ યોગીએ કહ્યું કે, ૪૯૧ વર્ષ સુધી રામ જન્મભૂમિ આંદોલન ચાલ્યું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસે પણ જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્યજીના સાક્ષ્યો અને નિવેદનો સાંભળીને સ્વીકાર્યું હતું કે સનાતન ધર્મીઓ સાથે સેંકડો વર્ષોથી અન્યાય થઈ રહ્યો હતો. તેમણે સંતોની સાધનાને રાષ્ટ્ર કલ્યાણ માટે અનિવાર્ય ગણાવી હતી. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય દ્વારા વાચિત આ કથાના સમાપનમાં સીએમ યોગીએ સનાતન સંસ્કૃતિના રક્ષણનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો.





