
માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી હવે ટોલ પ્લાઝા ઉપર રોકડ વ્યવહારને બંધ કરવાની તૈયારી ૧ એપ્રિલ ૨૦૨૬થી આ નવો નિયમ લાગુ થઈ શકે છે દેશના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર મુસાફરી કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હવે ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે મુસાફરોએ ટોલ ટેક્સ ભરવા માટે માત્ર FASTag અથવા UPI જેવા ડિજિટલ વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે. ૧ એપ્રિલ ૨૦૨૬થી આ નવો નિયમ લાગુ થઈ શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં FASTag નો ઉપયોગ ૯૮ ટકાથી વધુ વધી ગયો છે, જેના કારણે ટોલ કલેક્શન સિસ્ટમમાં મોટો ફેરફાર આવ્યો છે. હાલમાં મોટાભાગના વ્યવહારો RFID આધારિત FASTag દ્વારા થઈ રહ્યા છે, જે વાહનોને રોકાયા વગર ટોલ પસાર કરવામાં મદદ કરે છે. હવે તેની સાથે UPI પેમેન્ટની સુવિધા પણ જાેડવામાં આવી છે જેથી મુસાફરો સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકે.
શા માટે લેવાયો આ ર્નિણય?
ટોલ પ્લાઝા પર કરવામાં આવેલા આકલન મુજબ, રોકડ વ્યવહારને કારણે નીચે મુજબની સમસ્યાઓ સર્જાય છે:
ટ્રાફિક જામ: રોકડ આપવા અને પરચુરણ લેવામાં સમય બગડે છે, જેનાથી પીક અવર્સમાં લાંબી લાઈનો લાગે છે.
વિવાદો: પૈસાની લેવડદેવડ બાબતે કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે વારંવાર બોલાચાલી થાય છે.
સમયનો બચાવ: ડિજિટલ પેમેન્ટથી વાહનો ઝડપથી પસાર થઈ શકે છે, જેનાથી ઈંધણ અને સમય બંનેની બચત થાય છે.
નિયમો મુજબ, જાે કોઈ વાહન માન્ય FASTag વગર ટોલ પ્લાઝામાં પ્રવેશે છે અને રોકડમાં ચૂકવણી કરે છે, તો તેની પાસેથી નિર્ધારિત ટોલ કરતા બમણો (૨ ગણો) ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે UPIદ્વારા ચુકવણી કરવા પર ૧.૨૫ ગણો ચાર્જ લેવામાં આવે છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રોકડ વ્યવહારથી દૂર કરી ડિજિટલાઇઝેશન તરફ વાળવાનો છે.
સમગ્ર દેશમાં ૧,૧૫૦ થી વધુ ટોલ પ્લાઝા પર આ વ્યવસ્થા લાગુ થવાથી હાઈવે પર મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. જાે તમે પણ હાઈવે પર મુસાફરી કરવાના હોવ, તો તમારા FASTag માં પૂરતું બેલેન્સ રાખવું અથવા UPIએપ તૈયાર રાખવી હિતાવહ છે.




