
(છગનલાલ મેવાડા ધ્વારા)
આજે દેશમાં લગભગ દરેક ખાવા પીવાની વસ્તુઓ ભેળસેળ વાળી જ મળે છે. હદ તો ત્યાં થાય છે કે જીવન રક્ષક ગણાતી દવાઓ પણ અહી ભેળસેળથી મુકત નથી. ત્યારે દૂધથી માંડીને પાણી સુધી અને ઘઉં થી લઈને મરી- મસાલા સુધી તેમજ ફળોથી માંડીને શાકભાજી બધુ જ ભેળસેળવાળું કાં તો અત્યંત હાનિકારક રસાયણો યુકત જ મળે છે.
સારા સ્વાસ્થય માટે અને આરોગ્યને નિરોગી રાખવા માટે ફળો અને લીલા શાકભાજીનું સેવન જરૂરી માનવામાં આવે છે. તબીબો પણ લોકોને તેમના રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાની સલાહ આપે છે. જોકે આ ફળો કે શાકભાજીની ખેતીમાં ઝેરી રસાયણોનો વધતો ઉપયોગ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. ફળોને સમય પહેલા પકવવા તેમની ચમક વધારવા વાસી શાકભાજીને તાજા બનાવવા અને લીલા શાકભાજીના વિકાસને ઝડપી બનાવવા માટે વિવિધ પ્રકારના ઝેરી રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. એવા પદાર્થો જે માનવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
આવી જ એક ઘટના તાજેતરમાં મુંબઈના પાયધૂની વિસ્તારમાં પ્રકાશમાં આવી હતી,જ્યાં તરબૂચ ખાધા પછી એક જ પરિવારના ચાર સભ્યો મૃત્યુ પામ્યા હતા. ફોરેન્સિક તપાસ રિપોર્ટ મુજબ,મૃતકના આંતરિક અવયવો તેમજ તરબૂચના નમૂનાઓમાં ઉંદરના ઝેરના નિશાન મળી આવ્યા હતા. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઝેર તરબૂચની અંદર કેવી રીતે ગયું. એવી પણ શંકા વ્યકત કરવામાં આવી રહી છે કે ઝેરનો ઉપયોગ ખાસ કરીને તરબૂચને પકવવા માટે તો કરવામાં આવ્યો ન હતો??
આ કેસમાં ચાલી રહેલી પોલીસ તપાસ વચ્ચે હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે આખરે, આ ચાર પરિવારના સભ્યોના મોત માટે જવાબદાર કોણ? કહેવા માટે તો જંતુનાશકો મૂળ રીતે પાકને જીવાત અને અન્ય પ્રાણીઓથી બચાવવા માટે વિકસાવવામાં આવ્યા હતા. પરંતુ તેમનો આપણે ત્યા આડેધડ અને અવૈજ્ઞાનિક ઉપયોગ હવે માનવ સ્વાસ્થ્ય અને જીવનને ભારે નુકશાન પહોંચાડી રહ્યો છે. આ અંગે આરોગ્ય સંબંધિત વિભાગ નિયમિતપણે ફળો અને શાકભાજીનું નિરીક્ષણ કરે અને ગુનેગારો સામે પગલાં લે એજ સમયની માંગ છે.





